લખાણ પર જાઓ

પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૮
મ. ન. દ્વિ.નું આત્મવૃત્તાન્ત
 

સુધીની ચોરીમાં સામીલ થવું મને અતિશય અયોગ્ય લાગ્યું. આગળપાછળના બધા પ્રસંગોથી આ ત્રણેની ટોળીની પરીક્ષા તો મારા મનમાં થઈ ગઈ હતી જ અને તેમને માટે હવે કાંઈ પણ સહન કરવા જેવું હતું નહિ. આ ઉપરથી મેં છોટુને સ્પષ્ટ કહ્યું કે મારે આવી ચોરીમાં સામીલ થવું પાલવતું નથી. તારી રાખને હાલ તારે ઘેર જવા દે ને તારો બાપ જાય ત્યારે બોલાવજે, અગર ગામમાં ઘર લેઈને ત્યાં રાખ, અને તેનો ખર્ચ હું આપીશ, પણ મારા ઘરમાં આવી રીત નહિ કરવા દઉં. આ ઉપરથી છોટુ અને તેની રાખ મને કહ્યા વિના બારોબાર છાનેમાને જતાં રહ્યાં. એ રીતે ગયાં તે હવે આવશે. હું ધારૂં છું કે આ સંબંધના ઇતિહાસનો આ ઠેકાણે છેડો છે. નીમકહરામીની આ પરિસીમા છે ! છોટુ કે એની સ્ત્રી કે એનો બાપ કોણ એક એકને નીમકહરામીમાં ચઢે તે કહી શકાવું મુશ્કેલ છે. હવે એ સંબંધ છૂટ્યા માટે મને કાંઈ લાગતું નથી, એવાં પાપીનું ફરી મોઢું પણ જોવાની ઇચ્છા થતી નથી. પરમાત્માએ આ ખાડામાંથી બચાવ્યો એમ જ માનું છું.

તો પણ પડેલી કુટેવ મટતી નથી, એકાએક મટતી નથી. કોઈ સ્ત્રીનો સમાગામ કરવાની ઈચ્છા આઠે દસે થઈ આવતી રહી. એથી કરીને એક મરેઠી જે આવતી જતી હતી તેની સાથે બંદોબસ્ત કરી રાખ્યો. તેને આઠે દશે બોલાવવાથી તે રાતે આવી જતી. તેને વડોદરૂં આગસ્ટની પહેલી તારીખે છોડ્યું ત્યારે રૂ ૧૦-૧૨ આપ્યા હતા. હવે નડીયાદ આવીને એ ઇચ્છા થાય છે, પણ તેનો કોઈ માર્ગ નથી. એક પડોસણ બ્રાહ્મણીની છોકરી છે તે કવચિત્ કામ લાગે છે. પરંતુ મનની ઉગ્ર ઇચ્છા હવે એ તરફ નિત્ય વળતી જાય છે કે આવી વાસનાને હવે અટકાવવી. મને ખાતરી છે કે થોડા વખતમાં પ્રયાસ કરતાં તે અટકી પડશે. છોટુનો સંબંધ છુટ્યો ત્યારે એટલે આજથી વર્ષ ઉપર જાણે આખું જગત્ ખોવાઈ ગયું હોય એવું દુઃખ લાગતું હતું તેનો એક છાંટો પણ આજ રહ્યો નથી; એથી આશા પડે છે કે આ વાસનાને દાબી શકાશે. આટલું થવા છતાં છોટુ મારી મદદ માગે તો તેની હું ના પાડીશ એવી કઠોરતા હજી મારા મનમાં આવી નથી. છોટુની પૂરી નીમકહરામી ત્યારે સમજાશે કે એ આ પ્રમાણે મને કનડતો હતો ત્યારે બીજી પાસાથી મારા ઉપર શી આફત ગુજરતી હતી.

સપ્ટેમ્બર ૧૮૯૪ પછી આજ સુધીમાં વડોદરાના મારા સંબંધમાં વિલક્ષણ બનાવો બન્યા. બાળાશંકરના પક્ષકારો હરગોવનદાસ વિરુદ્ધ અમદાવાદ ટાઈમ્સમાં લખતા હતા તેનું સમાધાન કરાવા મણિભાઈ વચમાં