પડ્યા અને તેમનું પોતાનું એવું જ કામ મેં કરેલું તેથી મને જ વળગવા લાગ્યા. આથી કરીને હરગોવનદાસના મનમાં આ કામનો કરાવનાર હું છું એ શક પાકો થતો ગયો. તેમણે બાળાશંકરની અંગત ગીબત કરનારાં લખાણ હિતેચ્છુમાં છપાવ્યાં. તે પછી મારી અંગત નિંદા કરવાને પણ હિતેચ્છુમાં છપાવ્યું. રાસ્તગોફતાર, હિતેચ્છુ, ગુજરાતી વગેરે પેપરોમાં “ગુજરાતના લેખકો" ના જવાબરૂપે પણ વાસ્તવિક રીતે કાંઈ જ દલીલ સિવાય અને કેવળ મને ગાળો દેવાનાં લખાણ ચલાવ્યાં. એની સામે હિન્દુસ્તાન અને સુદર્શનમાં જવાબો લખાવા લાગ્યા જેથી તે બધા દબાઈ ગયા અને ગૂજરાતીવાળે તો પોતાનું લખાણ અધુરૂં જ મુક્યું છે તે હવે પુરૂં કરશે. વડોદરા તળમાં હરગોવનદાસે 'વિચારસાગર' અને 'સયાજીવિજય'માં મારાં વડોદરા ખાતે કરેલાં ભાષાંતરો ખોટાં છે એમ સાબીત કરવા દર અઠવાડીએ ટીકા ચલાવવા માંડી, તે પણ કેવલ ખોટી જ. તેનો જવાબ મારા મિત્ર પ્રલ્હાદજીએ આપવાનો આરંભ વડોદરાવત્સલમાં કર્યો જેથી પાછી તે બધી ચર્ચાઓ બંધ પડી. આ પ્રકાર લગભગ બે માસ ચાલ્યો. એ બધું થવાથી બાળાશંકર વધારે ખીજવાયો તેથી અમદાવાદ ટાઈમ્સ વધારે સખ્ત થતું ગયું. અને મેં તથા પ્રલ્હાદજીએ વારંવાર કહેવા છતાં એ અટક્યો નહિ, તેમ સમાધાનના જેટલા પ્રસંગ આવ્યા તે પણ તેણે બહુ સમજાવ્યા છતાં જવા દીધા. વાત બહુ વધી. એટલે હરગોવનદાસે વડોદરા રાજ્ય કાઉન્સીલને લગભગ અક્ટોબર ૧૮૯૪માં અરજી આપી કે અમદાવાદ ટાઈમ્સ અને તેમાં મારી વિરુદ્ધ લખનાર મણિલાલ અને બાળાશંકર ઉપર મને લાઈબલ કરવા પરવાનગી આપો. આ અરજીની હકીકત મને ખબર ન હતી. માત્ર એટલી જ ખબર હતી કે અમદાવાદ ટાઈમ્સ ઉપર લાઈબલ કરવા રજા માગી છે; તેથી મણિભાઈએ અંબાલાલ, લાલશંકર, પ્રલ્હાદજી, કસનલાલ એ વગેરેને સામીલ રાખી સમાધાન કરાવા જે ભાંજગડ મારી સાથે ચલાવી તેમાં મેં ભાગ લીધો. પરંતુ દીવાળીમાં નડીયાદ આવતાં મારા જાણવામાં આવ્યું કે લાઈબલ બાબતની અરજીમાં મારું ને બાળાશંકરનું નામ છે. આ જાણી મને મણિભાઈ વિષે બહુ હલકો વિચાર આવ્યો, ને તુરત ભાંજગડ માત્રમાંથી મેં મારો હાથ કાઢી લઈ કાઉન્સીલને અરજી આપી કે હરગોવનદાસે ટાઈમ્સમાં લખવાનો મારા ઉપર શક રાખી લાઈબલની પરવાનગી માગી છે તે અરજીની નકલ આપો કે હું તેમના ઉપર લાઈબલ કરૂં. મણિભાઈએ નકલ ન આપી, લાઈબલની અરજીનો નીકાલ ન કર્યો, તેમ મારી મુદત બાબતના કાગળોનો પણ નીકાલ ન કરતાં, માત્ર બીજા બે
પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૮૨
Appearance