પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડાયરી
૧૮૧
 

શક્યું નથી. વાસ્તવિક રીતે મારૂં નામ આપે તો પણ મારે એમાં ભય નથી. એ કેસ હજી ચાલે છે, મેં પેપરવાળાને રૂ. ૧૭૦૦ સત્તરસો કલદાર સાંકળાભાઈ પાસેથી ધીરાવ્યા છે. એ બધા મણિભાઈના છાંટા છે. આ વખતે મણિભાઈને મેં એકબે બહુ સખત ચીઠીઓ લખી હતી. આણી પાસા મારી મુદતનો નીકાલ થયો નહિ. કાગળો કાઉન્સીલમાં પડ્યા રહ્યા, અને મણિભાઈ છોકરો પરણાવવા ગોધરે ગયા. ત્યાં હું ગયો હતો. પાછા આવતાં તો મહારાજા નીલગીરી ગયા હતા ત્યાં તેમને બોલાવીને રાખ્યા અને એક પ્રકારની નજરકેદ જેવી સ્થિતિ તેમની થઈ. વડોદરામાં હવે મણિભાઈ બેઆબરૂ થશે, ને એમની સામે અનેક વાતો મહારાજા ગણશે તેમાં મારે મારૂં નામ ગણાવવું નહિ એ વાત મારા મનમાં તાજી થઈ. જ્યારે જ્યારે હું જવાનું કરતો ત્યારે મણિભાઈ જવા ન દેતા અને હરકત કરતા. પણ હવે કાઉન્સીલ મરેઠાની હતી, દીવાન મરેઠો હતો. અને તે લોકો ગુજરાતીઓ વિરદ્ધ ગજકાતર લેઈ બેઠા હતા. તેમના મોંમાં ઝે...[કાગળ ફાટી ગયો છે] લાવવાનો મેં નિશ્ચય કર્યો. તે લાકોને જુન ૧૮૯૫માં મેં લખ્યું કે જાનેવારીથી મારા ખાતાને પગાર મળ્યો નથી, કાગળો કાઉન્સીલ આગળ પડી રહ્યા છે. માટે કાંતો કામનો નીકાલ કરો, કે પગાર ચાલતો કરો. ધારવા મુજબ તેમણે ખાતું બંધ કરવા હુકમ કર્યો. પણ પગાર આપી શકાશે નહિ એવું લખ્યું એ નવાઈ થઈ. ફરીથી વાત તેમના લક્ષ ઉપર આણતાં, તેમણે પગાર આપવા હુકમ કર્યો. ઘણાંક પુસ્તકો ચાલુ હતાં, ઘણાંક અધુરાં હતાં. હજી ઘણી ઘણી વાતો કરવાની તે મારે હાથે થઈ શકે એમ હતું. એ બધી વાત લખીને મેં કાઉન્સીલને જણાવી કેમકે એમ કરવું એ મારી ફરજ હતી અને પછી ખાતું બંધ કરી ઘેર આવ્યો. પગાર લેવા હજી જવું છે. આજ સાંભળું છું કે મણિભાઈને ને મહારાજને અણબનાવ છેક વધી ગયો છે ને મણિભાઈને અપમાન સાથે રજા આપી છે. એવા નબળા, લોભી, સ્વાર્થી, જુઠા અને અનિશ્ચિત મનના માણસનું એ પરિણામ આજ દોઢ વર્ષથી કેમ આવતું ન હતું એ જ નવાઈ હતી. આ નિર્માલ્ય માણસનો આશ્રય કરવાથી આવાં પરિણામ આવ્યાં છે છતાં તેનો ઉપકાર મારા ઉપર છે એ નિર્વિવાદ છે. એના પહેલાં બે માસ આગળથી હું ઘેર આવ્યો તે સારૂં થયું છે એમ હવે મને લાગે છે, જો કે એ માણસ રહ્યો હોત તો એની ઈચ્છા હજી પણ મને પાછો લેઈ જવાની હતી જ. છેક વડોદરેથી આવતે આવતે પણ મણિભાઈના પક્ષકારોની ઇચ્છાથી તેમના બચાવનાં લખાણો ટાઈમ્સ ઓફ ઈન્ડીઆમાં મેં શરૂ કરાવી આપ્યાં હતાં.