પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૨
મ. ન. દ્વિ.નું આત્મવૃત્તાન્ત
 

આ બધી ગડબડના અરસામાં રા. મુ. હરિદાસભાઈ જેઓ જૂનાગઢથી પૂર્ણ માન સહિત નોકરી મૂકીને આવી નડીયાદ રહ્યા હતા તેમને મારા ઉપર સહજ માઠું લાગી આવ્યું હતું. મણિભાઈ વિષે જે વિચારો મેં તેમને દર્શાવ્યા તે તેમને પસંદ ન પડ્યા અને લાઈબલમાં હું બચાવ તરફે મદદ કરું છું એવી વાતથી તે નારાજ થયા. તેમને બધી વાત સમજાવતાં તેમના મનનું સમાધાન થયું હતું ને તેમની સલાહને અનુસરીને જ મેં વડોદરેથી નીકળી આવવાની વેતરણ કરી હતી. પરંતુ તે જોવા સુધી એ ગૃહસ્થ જીવ્યા નહિ. એમના મરણ સંબંધે સુદર્શનમાં જણાવ્યું છે તે જ મારા અંતરાત્માનું ભાન છે. મારા પિતા આજે જ મરી ગયા એવું મને એ મહાત્માના મરણથી લાગ્યું છે.

વડોદરામાં પણ કેટલાક સ્વાર્થી ગુજરાતીઓ મણિભાઈને ગુજરાતી દીવાન ગણીને ફુલાઈ રહ્યા હતા. ગુજરાતી પાર્ટી કરી બેઠા હતા. પણ અંદર અંદર દ્વેષ અને સ્વાર્થ સાધવા વિના તેમનામાં કશો અર્થ ન હતો. દારૂ પીવો ને રંડીબાજી કરવી એ આવી પાર્ટીઓનું ધોરણ હતું. હું એવી કોઈ પાર્ટીઓમાં ન હતો જેથી મને બહુ અડચણ નડતી. મણિભાઈ જેવા હલકા ને સ્વાર્થી માણસને પાર્ટી કે કાંઈ આવડતું હતું નહિ. તેનું ધોરણ જ મિત્રોને હરકતો કરવી અને દુશ્મનની ખુશામદ કરવી એ હતું. એ માણસે આવી રીતભાત વડોદરામાં દાખલ કરવાથી અને દીવાનપદને અપમાન થયા છતાં બે વર્ષ વળગી રહી અનેક લાગવગ અને સ્વાર્થમાં આમતેમ નબળાઈથી હાલ્યાં કરવાથી ગુજરાતી એ નામને ગાયકવાડીમાં આવતાં પચાસ વર્ષ સુધી ભારે નુકસાન કર્યું છે.

વડોદરેથી ઘેર આવવામાં વધારે ખુશી થવાનાં બીજાં બહુ કારણો મળ્યાં. ઘેર આવ્યા પછી વાસણાની તપાસ કરતાં તે ખાતે રૂપૈયા પાંચ હજાર જેટલી ખોટ જણાઈ. તે જમીનની યોગ્ય વ્યવસ્થા લગાડી તેની દેખરેખમાં ધ્યાન રાખવા નિશ્ચય કર્યો. માતુશ્રીને બરડા ઉપર મહોટું ગોડ થયું; તેમની પાસે હું ન હોત તો બહુ ઉપાધિ પેદા થાત, પાઠું છે એમ ઠરવાથી તેનો બીજો ઉપચાર થઈ ન શક્યો, પણ છેવટ ગુંમડું છે એમ નક્કી થતાં તેને કપાવી નાખ્યું અને હાલ ઠીક ચાલે છે. નાના છોકરાને પરણાવવાની પણ તપાસ ચાલે છે. બેત્રણ માગાં છે. કામકાજ સંબંધ પાસે પુષ્કલ કામ છે. વડોદરાની લો કમીટીનું વિવાદતાંડવ, મુંબઈ સીરીઝની સ્વાદ્વાદમંજરી, ગુ. વ. સોસાઇટીનું લોજીક એટલાં કામ તો છે જ. તે ઉપરાંત ભાવનગરવાળા ગગા