પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શાળા, શેરી અને સોબત
૧૫
 

પ્રયાસથી મેં ઘણાં અંગ્રેજી પુસ્તકો વાંચ્યાં તથા ટોડ્સ સ્ટુડન્સ ગાઈડને મેં મારી ટેકસ્ટ બુક બનાવી. ભાષા સંબંધી તમામ વિષયનો –ઈતિહાસ ભૂગોળ સુદ્ધાં – મને ઘણો શોખ થયો, ને તેમાં મારી નિપુણતા તે જ વખતથી મારા શિક્ષકો માન્ય કરતા. મેટ્રીક્યુલેશનમાં જવાનું આવ્યું. છબીલરામનો આગ્રહ સંસ્કૃત લેવરાવવા તરફ જારી હતો ને તેમની મહેનત પણ કમ ન હતી. અમે પણ ઝંપલાવ્યું અને કાચે પાયે સંસ્કૃત જ લીધું. પરિણામે ૧૮૭પમાં તો મેટ્રીક્યુલેશનમાં ફક્ત સંસ્કૃતના વિષયમાં નપાસ થવાયું. મેં છગનલાલનું નામ આગળ આપ્યું છે તે આ સર્વ બાબતમાં મારો સહાધ્યાયી હતો ને તે પણ મારી પેઠે જ નપાસ થયો. એ અને હું ઘણુંખરૂં સાથે જ વાંચતા તે છેક બી. એ. થતા સુધી એટલે અમારી વચ્ચે સહજ ઉત્તમ સ્નેહભાવ બંધાયો તે હાલ પણ ચાલુ છે. અમારા બન્નેના નપાસ થવાથી સ્કુલમાં સર્વે નિરાશ થઈ ગયા, અને ગીમી માસ્તરને તો એવી હબક લાગી ગઈ કે હાલ પણ તેઓ કોઈને સંસ્કૃત લેવાની સલાહ આપતા નથી એમ મારા જાણવામાં છે. અમે બન્નેએ નપાસ થયાની દલગીરી ન કરતાં ખબર મળ્યાને બીજે જ દિવસે શાળામાં જઈ અભ્યાસ ફરી ચલાવ્યો. પણ અમારા બને માસ્તર છબીલરામ તથા ગીમી બદલાઈ ગયા ને તેમને બદલે તેમની ખોટ ભાંગે તેવા માણસો ન આવ્યા તેથી અમે ઘણુંખરૂં જાત ઉપર આધાર રાખી ભણ્યા. પણ અમારા ગીમી માસ્તરે અમને સ્વાશ્રય સારો સમજાવ્યો હતો તે મુજબ અમે ખૂબ વાંચતા અને નિયમિતપણે કામ કરી જ્યારે જુએ ત્યારે મિત્રોની રમતગમતમાં તૈયાર રહેતા.

એ વાત કહેવી રહી ગઈ કે આ વર્ષે અમે નપાસ થયા પણ અમારી સાથેના કેટલાએક પાસ થયા તેમાં ઉમરેઠના ભટ્ટ મગનલાલ ઊમિયાશંકર તથા કલોલના છગનલાલ લલુભાઈ જે મારા સ્નેહી હતા તે પાસ થઈ ગયા. મગનલાલ મેડીકલ કોલેજમાં ગયા ને છગનલાલે નોકરી લીધી.

મેટીક્યુલેશનમાં પસાર થયાની વાત કરતા પહેલાં અમારા મિત્રમંડળમાં તથા કાવ્યાદિ અભ્યાસમાં શું થઈ આવ્યું તે જણાવવાનું છે. ૧૮૭૪-૭૫ની સાલમાં 'પ્રાર્થનાસમાજ'ની સાથે 'સ્વસુધારક' મંડળીને પણ મોહોટા પાયા પર આણી; થોડા વખતમાં અમારાં માબાપોના આગ્રહથી 'પ્રાર્થનાસમાજ' અમારે બંધ કરવી પડી. મંડળી કરવાનો ચડસ પડેલો તે ગયો નહિ. ભાષણો કરવાં ને કવિતા બનાવી વાંચવી એ જ અમારે મન મંડળી કરવાનો મુખ્ય લાભ હતો. પણ આ વખતે એક નવી વાત પણ મનમાં આવી. અમારા મનમાં