પૃષ્ઠ:Atmavruttanta.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬
મ.ન.દ્વિ.નું આત્મવૃત્તાન્ત
 

એમ થયું કે આપણી જ્ઞાતિના જવાન માણસો ભેગા કરી સભા બનાવી હોય અને તેમાં જ્ઞાતિસુધારાના વિચાર કર્યા હોય તો સારૂં. આ ઉપરથી બાળાશંકર, મોહનલાલ, હું તથા ત્રિકમલાલ દ્યાનતરામ સર્વને ભેગા કરી સાઠોદરા નાગર જ્ઞાતિ શુભેચ્છક સભા બનાવી તેની સાથે જુની સ્વસુધારકને પણ ચલાવી. એક મકાન લીધું, બેસવાનો સામાન ભેગો કર્યો તથા નાની લાયબ્રેરી પણ બનાવી. જ્ઞાતિશુભેચ્છક સભા કરી તો ખરી પણ અમો બાળકો નાતમાં શો સુધારો કરી શકીએ? અમે સર્વે સંધ્યા ભણ્યા ને રોજ કરવા લાગ્યા તથા ઠરાવ કર્યો કે કોઈએ પરનાતિનું જમવું નહિ. નાતમાં સ્ત્રીપુરુષોને એક જ પિરસનારા જમતી વખતે રહેતા તે જુદા પડાવવા શ્રમ આદર્યો. તેના પરિણામે એ રીવાજ દાખલ થયો પણ ઘણાં વર્ષ લગી અમારે ને અમારે જ બૈરાંમાં પિરસવા રહેવું પડયું. અમારું જોઈને અમદાવાદમાં પણ જ્ઞાતિ શુભેચ્છક સભા થઈ પણ તેનાં કૃત્યનું વર્ણન અત્રે અપ્રસ્તુત છે. આ બન્ને સભા ઘણાં વર્ષ રહી. પણ આ સિવાય નવિન કામ તેનાથી બન્યું નથી. આ બધું ૧૮૭૫માં ચાલતું હતું. આગળ જતાં સભાએ જ્ઞાતિબંધુઓને ભેગા કરી કન્યાવિક્રય ન કરવા માટે બે વાર તથા મરણક્રિયામાં જમવા ન જવા માટે એક વાર ઘણો પ્રયાસ કરી વિનતિ કરેલી પણ પરિણામ કાંઈ આવ્યું નહિ. અમારા કાવ્યાદિ અભ્યાસમાં બાળાશંકરનો અભ્યાસ ઘણો વધ્યો ને તે સાહિત્યની પારિભાષિક વાતો કરવા લાગ્યો તથા કાંઈક શિઘ્ર કવિતાનો તથા હિંદી રચનાનો પણ તેણે આરંભ કર્યો. ગાયનમાં પણ તે મચેલો હતો. આ બધું થતાં તેનો શાળાનો અભ્યાસ નરમ થઈ ગયો. હું પોતે સામાન્ય કવિતાઓ બનાવતો તે ભેગી કરીને મેં એક નાની ચોપડી 'શિક્ષાશતક' એ નામે ૧૮૭૬માં પ્રસિદ્ધ કરી. તેની ઉપર તે વેળે વિદ્વાનોનો એમ અભિપ્રાય થયો કે આનું બાળવય જોતાં, જો મેહેનત કરે તો સારો નીવડે તેવું આ કાવ્ય જણાવે છે. આ પુસ્તક મારા પ્રેમના આવેશમાં મેં બાળાશંકરને અર્પણ કર્યું છે.

મને કાલ બરાબર યાદ નથી પણ એમ સમજાય છે કે ૧૮૭૬ના વર્ષ આખરે એક દુઃખદાયક બનાવ બન્યો. બાળાશંકરની પત્ની ઘણી રૂપવન્તી હતી ને તેને મારા પર મમતા સારી હતી. રસ્તે જતાં તે હંમેશાં મારા અભ્યાસના ખાનગી ઘરના બારણામાં ઊભી રહેતી તથા ગંમત, મશ્કરી વગેરે ઘણી છુટથી ચાલતું. બાળાશંકરની મૈત્રી પૂર્ણ સાધવા માટે આ વખતે ઘણા ઉમેદવારો હતા એ મેં કહેલું છે. તેમાંનો દોરાબજી હાલ બાળાશંકરથી રીસાઈ નિરંતર મારે જ ઘેર પડયો રહેતો ને બાળાશંકરથી હું છૂટો થાઉં