પૃષ્ઠ:Atmavruttanta.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શાળા, શેરી અને સોબત
૧૭
 

એવી મને પ્રાર્થના કર્યા જતો. તેના રોજ બેસવામાંથી તેને બાળાશંકરની સ્ત્રી તથા મારી વચ્ચેનો સંબંધ ખબર પડયો. તેણે મને વાતેવાત સમજાવ્યું કે આ સ્ત્રી આશક છે, એને લેવી. મારી મનોવૃત્તિઓ અકાલે ઉચ્છૃંખલ થઈ જવાનાં કારણો આપેલાં છે તે મુજબ મને પણ એ યોજના સારી લાગી. મેં તથા પારસીએ થઈ એક ચીઠ્ઠી તૈયાર કરીને તે એ જ પારસીના દેખતાં મેં એ સ્ત્રીને આપી. તેણે લેતાં કહ્યું કે (બાળાશંકર) એ તો ઘેર નથી કોને આપું? આ વાક્ય પરથી મારા મનમાં શક છે કે એ સ્ત્રીએ જ ચીઠ્ઠી બાળાશંકરને ભુલમાં બતાવી કે જાણીજોઈને બતાવી કે પેલા પારસીએ કહી દીધાથી તેણે ધમકાવીને લીધી. એ ગમે તેમ હો પણ બાળાશંકરે વાત જાણી, પારસી તેનો દિલોજાન મિત્ર થયો ને હું દૂર થઈ ગયો એ પરથી આ કાવતરૂં મને તો અદ્યાપિ પણ એ પારસીનું જ લાગે છે.

બાળાશંકરનું મન ઊંચું જાણી મેં વારંવાર પૂછ્યું ત્યારે તેણે લખ્યું કે, "सुना बे रसिकलाल लाल नभुलाल बानि । तुम जेसे मितको न लाइक कहात હૈ ।।" હું સમજ્યો નહિ, ને વિશેષ ખુલાસો માગ્યો, તેમાં એણે મને વાત કહી. મેં ગુનોહ કબુલ કર્યો, ને બધી વાત સમજાવવા પ્રયત્ન કર્યો પણ બાળાશંકરને ગળે તે ઉતર્યો નહિ; છતાં એણે ઉદાર દિલથી મને માફી બક્ષી. પણ મારો અને બાળાશંકરનો સંબંધ હવે નભી શક્યો નહિ. જે દોરાબજીનો મને તિરસ્કાર થયો તે જ એનો પરમપ્રિય થયો; અને મારા તરફ એનું દિલ ફીકું પડી ગયું એથી મેં એનું ઘર તજ્યું. આ સમયનાં બે-ચાર વર્ષ મેં ઘણા દુઃખમાં ગાળેલાં છે. બાળાશંકરને મારી સાથે હતો તેવો પ્રેમ હવે મોહનલાલ સાથે થયો; તેમ દોરાબજી અંદર રહ્યો; અને ચતુરભાઈ જેનું નામ મેં આગળ આપેલું છે તે મોહનલાલના મિત્ર હોવાથી, કવિતા શિખવાના પ્રસંગે બાળાશંકરના મિત્રોમાં ભળ્યા. સ્નેહીઓથી દૂર થઈ મનમાં મુઝાતાં એકલા ફરવું એ પીડા વિકટ છે. તેમાં પણ આપણા પ્રતિસ્પર્ધિને આપણી જ જગો પર જોવો, જે એમ બોલેલો કે મારે બાળાશંકરના પ્રધાન થવું છે તેને જ જોવો - એ મહાવેધક છે. ઈશ્વરે દેખી દાઝવાના કષ્ટથી તો મને મેટ્રિક્યુલેશનમાં પસાર કરી મુક્ત કર્યો, કેમકે પછી હું મુંબઈ ગયો.

વ્યભિચારી વૃત્તિઓના આંદોલનના સંબંધે થોડી વાત જણાવવાની છે. મારી નાની વયમાં મારા ફળીયાની અને નાતની નાની બાળકીઓ જે, વિષયની વાત સમજતી હશે, તેણે મને ઘણી વાર એ રસ્તે દોરેલો, પણ મારી સમજ કાચી હોવાથી મને તેમાં રસ પડેલો નહિ. આમ થવાથી તથા આગળ કહી

મ.ન.દ્વિ. - ૨