ગંમત કરવાની ટેવ પડી તે અમો ઘણા વખત સુધી રાખી રહ્યા હતા, ને એથી અમારા મિત્રમંડળમાં સારો ભાઈચારો થતો હતો.
પાસ થયા પછી શું કરવું એ હવે મોહોટો સવાલ હતો. મારા ઘરમાં કોઈને વધારે કેળવણી લેવાનાં ફલનું જ્ઞાન ન હતું; મને તો હોય જ ક્યાંથી, પણ ભણાય તો ઠીક એમ બુદ્ધિ હતી. અધુરામાં પુરો મારી જ્ઞાતિનો એક છોકરો મુંબઈ ભણવા રહેલો તે તરત જ મરી ગયેલો એટલે હવે ખરાબ હવાવાળા ગામમાં મને મારાં માબાપ કેમ મોકલે? તે વેળે મુંબઈનો અવરજવર હાલ જેટલો છુટો ન હતો. અમારા ગામના લોક મુંબઈ એટલે વિલાયત જવું એમ સમજતા. અમને પણ કોલેજ કે યુનિવર્સિટી કે પરીક્ષા તે શું તેનો લેશ ખ્યાલ ન હતો. બહારગામ કોલેજો પણ ન હતી. મારાં માબાપ પાસે મુંબઈનો ખર્ચ નભાવી શકે તેટલું દ્રવ્ય તો ખરું પણ મને તે વેળાના એકના એક છોકરાને મુંબઈ કેમ મોકલાય? આથી તેમણે મને સર્વથા નાઉમેદ કરવા માંડયો. ખર્ચની હકીકત બતાવવા માંડી, અને નાતના કોઈ મોહોટા નોકરીઆતને ત્યાં મને સોંપી પ–૧૦ કે ૧૫ની નોકરી પરિણામે મળે તે માટે જોગવાઈઓ થવા માંડી. મેં પણ ઈદર ઉદર અરજીઓ કરી પણ નિષ્ફલ ગઈ. મારા મનમાં નિશ્ચય થયેલો કે ગમે તેમ કરી મુંબઈ જવું. એવામાં સરકારી ગેજીટમાં અમારાં નામ વગેરે આવ્યું તેમાં દર માસે રૂ. ૨૦ની કહાનદાસ મંછારામ સ્કોલરશિપ જે પ્રથમ તે જ વર્ષ નીકળેલી તે મને મળ્યાની વાત લખેલી હતી. પણ આ સ્કોલરશિપ એક વર્ષ જ ચાલવાની હતી ને પુને ઈજનેરનું ભણવા જવું એવી શરતવાળી હતી. મારા મનને આથી હર્ષ થયો નહિ. મને ગણિત ન આવડે, ને તેનું જ પુનાની ઈજનેર કોલેજમાં કામ એટલે મારૂં મન તો મુંબઈ ને મુંબઈ તરફ વળગ્યું રહ્યું. મારા પિતાને આ વાત પરથી એમ લાગ્યું કે ભણવામાં કાંઈક સાર છે ખરો. માટે તેમણે મને જવાની રજા આપી, પણ પુને જવું એવી શરતે રજા આપી. મને ખબર મળેલી કે એલ્ફિન્સ્ટન કોલેજમાં પણ રૂ. ૧૦)ની સ્કોલરશિપો મળે છે. તેથી મેં એમ નક્કી કર્યું કે આમાંની કોઈ મને ઈશ્વર અપાવે તો ત્યાં જ રહી, બાકીનો ખર્ચ પિતા ન આપે તો ગમે ત્યાંથી લાવવો પણ પુને ન જવું, અને જો આ ન મળે તો પુને જવું. જે થાય તે ખરી.
હું ૧૮૭૭માં મુંબઈ ગયો ને એલ્ફિન્સ્ટન કોલેજમાં દાખલ થયો ત્યાં મને રૂ. ૧૦)ની સ્કોલરશિપ મળવાથી હું રહ્યો અને મારા પિતાએ પણ ખર્ચ આપવાની હા પાડી. પુનાની સ્કોલરશિપનું મેં રાજીનામું આપ્યું. પણ આ સંબંધે