ખાપર્ડે હતો તેને વચમાં નાંખી સમાધાન કરાવ્યું તેમાં ફક્ત છગનલાલે માફી માંગી. સમાધાન થતાં જ પ્રાણલાલ મને મળ્યો અને કહે કે "કેમ હવે first આવી રહ્યો ને? તારા મનમાં પવન ઘણો ભરાયો હતો તે જરા નરમ પાડવા આ કર્યું હતું!" આ સાંભળતાં જ મને થયું કે આ કામ અદેખાઈથી જ થયું. પ્રાણલાલ હોળીનું નાળીએર બન્યો તેનું કારણ એટલું જ કે તેને ને મારે મૂળ પ્રથમ ટર્મમાં બોલાબોલ થઈ હતી. ને તે જાતે મૂર્ખ પણ હતો. આ પછી, ૧૦-૧૨ દિવસે F.E.A.ની પરીક્ષા થઈ, તેમાં હું પ્રથમ નંબરે આવી શક્યો નહિ. ત્રીજે નંબરે પાસ થયો, તથા લોજીકના વિષયમાં અને મારા Voluntary Subject મોરલ ફીલોસોફી તેમાં પહેલે નંબરે પાસ થયો. આમ થવાથી મને સ્કોલરશિપ રૂ. ૧૫)નું મળ્યું ને તે ૧૮૭૯ના એપ્રિલની આખર સુધી ચાલ્યું.
આ પરીક્ષાના સમય પછી વેકેશનમાં હું નડીઆદ આવ્યો. ત્યાં મારા મિત્રમંડળની અવસ્થા તો મેં પૂર્વે કહેલી જ છે. બાળાશંકર મોહનલાલ ચતુરભાઈ ને દોરાબજી એ મહારૂઢ મૈત્રી અનુભવતા હતા ને બને તેટલી રીતે મને દૂર રાખ્યાં જતા. હું પણ તેમનામાં બીલકુલ ભળતો નહિ. મેં મારો વખત એકાંતમાં ને અભ્યાસમાં જ ગાળવાં માંડયો હતો. આવા વખતે અકસ્માત્ દોરાબજી તથા મોહનલાલ લઢ્યા તે પણ દોરાબજીએ મોહનલાલને બાળાશંકર પાસેથી ખસેડવાનો પ્રયત્ન કર્યો તેમાંથી – એટલે મોહનલાલ બાળાશંકર ને ચતુર ત્રણેનો સ્નેહ ર્દઢ થઈ જે પાપરૂપ માણસ હતો તે દૂર થયો. આ માણસ જ ખરો પાપરૂપ છે અને એણે જ મણિલાલને પણ ફસાવ્યો છે એવી મોહનલાલને ખાત્રી થવાથી એણે બાળાશંકરને કહ્યું કે આપણે ગમે તેમ કરી મણિલાલને આપણા સંબંધમાં હતો તેવો કરી લેવો. આ વાત મને જણાવવામાં આવી ને મેં પણ ખુશીથી મારા પૂર્વના મિત્રોની વાત માન્ય કરી, બાળાશંકરને મેં ફરીથી કહ્યું કે મારાથી તારો અપરાધ થયો છે તે તને મનમાં સાલતો હશે તે ખરૂં પણ તેનું ખરૂં કારણ સમજાયા પછી તું હવે સમાધાન પર આવ્યો જાણી મને સંતોષ થાય છે. એણે પણ કહ્યું કે એમાં કાંઈ માલ નથી, મને પણ મારા મિત્રને માફી બક્ષ્યાનો આનંદ થોડો નથી. આ રીતે અમો સર્વે વળી ફરી સંબંધમાં આવ્યા. બાળાશંકરનું મન તો હતું તેવું જ રહ્યું : અર્થાત્ એને જે એકને વધતું બતાવવું બીજાને ઓછું બતાવવું વગેરે ખટપટની ટેવ તે કાયમ રહી ને તેથી મને કેવળ અણગમો થવા લાગ્યો, પણ છેક તોડી ન નાંખતાં મેં સાધારણ સંબંધ રાખ્યાં કર્યો.