પૃષ્ઠ:Atmavruttanta.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઉચ્ચ અભ્યાસ
૨૭
 

બે સુધી ત્યાં એનું રહેવું થયું ને દર્દમાં ઘણો ફેર પડયો. દર્દ કોઈ રોગ ન હતો. પણ એક જાતનો Monomania હતો; તે કેશવલાલ નામનો એનો ગાયનનો ઉસ્તાદ જે મુંબઈ હતો તેની સમક્ષ શમી જતો ને એનું મન આનંદમાં રહેતું. મારી અવગણના કરવામાં અને મને ન ગણકારવામાં તથા તેવી જ રીતે પજવવામાં એણે આ બન્ને માસ બાકી રાખી નથી. મારો જરા પણ અનાદર કરે તો તેવો માણસ મોહોટો ચક્રવર્તી હોય તો પણ હું તેના સામું ન જોઉં એ મારી પ્રકૃતિ દૂર મુકી કેવળ ફરજના માર્યા મેં સર્વ સહન કર્યું. ૧૮૭૬માં બાળાશંકર સાથે જે તૂટ થઈ તે પછીના મારા ને એના સંબંધોમાં મેં કદાપિ પ્રીતિનો અનુભવ કર્યો જ નથી, છતાં હું એટલા જ માટે સહન કરી રહેતો કે ફીકર નહિ મારો જરા પણ વાંક છે એટલે એમ જ હોય પણ પરિણામે ઠીક થશે. ટર્મ પૂરૂં થવા આવ્યું. પણ બાળાશંકર કેશવલાલને મુકી નડીયાદ આવે નહિ ને એનાં માબાપ કલ્પાંત કર્યાં જાય. આખરે એને સમજાવી હું નડીયાદ આવ્યો અને વેકેશનમાં રહી હું પાછો મુંબઈ ગયો.

બી.એ. માટેના બીજા ટર્મમાં જાણવાજોગ કાંઈ બન્યું નથી. એ ટર્મ આખર સ્કોલરશિપ માટે પરીક્ષા થઈ તેમાં મને રૂ. ૨૦)ની સ્કોલરશિપ મળી. વેકેશનમાં ઘેર રહી ત્રીજા ટર્મ માટે મુંબઈ ગયો. બીજા ટર્મમાંથી જ મારી સાથે તુળશીદાસ લક્ષ્મીદાસ કોલેજમાં રહેતો. એ એફ. ઈ.એ. માટે આવ્યો હતો. છગનલાલ લલુભાઈ તો એફ.ઈ.એ.માં નપાસ થઈ ઘેર ગયા હતા; ને ભૂપતરાય બી.એ.નો અભ્યાસ કરતો. આ ટર્મની આખર વખતે વળી મને જરા આડું અવળું કરવાનો ચસકો થઈ આવ્યો. વચમાં જે એકાદ વર્ષ ખાલી ગયું તે કોઈ સહાય કરનાર નહિ માટે જ. હાલમાં નડિયાદનો એક ઝવેરભાઈ એ કામમાં પ્રવીણ સાબિત થયો એટલે બે ત્રણ વાર એક તેની રાખેલી વેશ્યાને ઘેર જવું થયું. તેમાં બીજી કે ત્રીજી વાર ગયો તેમાંથી મને ચાંદી લાગુ થઈ. પણ આ વેળે રોગનું રૂપ જાણીતું હોવાથી પુરેપુરો ઉપાય લેવાથી આરામ થઈ ગયો ને કાંઈ ભય પણ રહ્યું નહિ. આ ટર્મમાં મારી નાતના... જેનું નામ મેં આગળ મારા પ્રતિસ્પર્ધિમાં ગણાવ્યું છે તે સારા મિત્ર થયા. તેમને સખ્ત ઉપદંશ થયેલો તે તેણે લાજના માર્યા કોઈને કહેલું નહિ તેથી તેની ઇંદ્રિય છેક તુટી જવા પર આવેલી. તેના ગામના અમદાવાદીઓ એની મશ્કરી કરી પીડા કરતા. આ ઉપદંશ તેને તેની સ્ત્રીમાંથી મળેલો હતો. એ માણસે આવી મને હકીકત કહી તે પરથી મેં તેને મારાથી થઈ તેટલી તનમનથી મદદ કરી આરામ પર આણ્યો. પણ પરીક્ષા તો એ બીચારા જુવાનની બગડી ને તેને