પૃષ્ઠ:Atmavruttanta.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮
મ.ન.દ્વિ.નું આત્મવૃત્તાન્ત
 

મેં અધવચે અમદાવાદ પહોંચડાવ્યો. આ વખતથી તે ગૃહસ્થ મારો સારો મિત્ર છે. આ ટર્મની આખરે હું ઘેર આવ્યો.

આ વખતે મારી સ્ત્રીને મારે ઘેર સુવા રાખવાની હતી. મારી ઉમરમાં ૨૧ વીતીને બાવીસમું વર્ષ ચાલતું હતું; મારી સ્ત્રી ૧૧-૧૨ વર્ષની હતી. ઘેર સુવા રાખવાનો દિવસ દસેરાનો તહેવાર હતો. ઘરમાં સર્વ સગાંને જમવા નોતર્યા હતાં; કંસાર રંધાયો હતો. જમવાના કલાકેક આગળ હું બારી પર બેઠો હતો ને સામે કોઈ માણસ બેઠેલો તેની સાથે વાત કરતો હતો. એવામાં બાજુ પરનાં લાકડાંમાંથી નીકળી એક કાળો સાપ દોડતો મારા પગની લગભગ આવ્યો. મારી સામે બેઠેલા માણસની નજર તે પર પડી ને તેણે બુમ મારી તેથી મ્હેં પગ ઉંચા લઈ લીધા ને સાપ પાછો ફરી ભીંતની એક ફાટમાં ભરાયો. એક બે સ્નેહીઓ તેવામાં આવી પડયા. તેમણે લાકડી વતે છંછેડી સાપને બહાર કાઢવા પ્રયત્ન કરવા માંડયો. હું તો આ બધું મુકી જમવા વખત થવાથી જઈને જમવા બેઠો. કંસારનો કોળીઓ વાળીને મોંમાં મુકવા હાથ ઉપાડયો કે તરત પેલા લોકોએ બુમ મારી કે "મણિલાલ! સાપ નીકળ્યો." મેં કોળીઓ નીચે મુકી સાપને પકડયો અને નંખાવી દીધો. આ બનાવથી મારૂં દીલ ખાટું થઈ ગયું ને ખરેખર તે જ દિવસથી મારી સ્ત્રી એવી તો દુઃખદાયક નીવડી કે એ થનાર વ્યથામાંથી મને મુક્ત કરવા કાલરૂપ શ્રી હરિએ મોકલલો આ સર્પ અને ડસ્યો હોત તો બેહેતર હતું. આ વાત મારા મનમાંથી વેહેમરૂપ મનાઈ ઘસાઈ ગઈ હોત પણ પાછળનાં પરિણામે આ શકુનનો આવો જ અર્થ મારા મનમાં ર્દઢ કર્યો છે. વળી આશ્ચર્ય એ છે કે આ દસરા પછી બીજાં બે વર્ષની દસરા આવી જ જાતિના બનાવ વિના વીતી નથી. બીજે વર્ષ દસરાના પ્રાતઃકાલમાં જ મારા પર છાપરામાંથી સર્પ પડયો ને મને માલુમ ન છતાં હું કેવળ પ્રભુકૃપાથી બચી ગયો. ત્રીજે વર્ષ હું મુંબઈ હતો ત્યાં સર્પનો ભય ન હતો. પણ મેં મારા મિત્રોને કહ્યું હતું કે કાંઈક થવું તો જોઈએ. સાંજે અમે સર્વે જમવા બેઠા ત્યારે એકદમ મારા પાટલા નીચેથી એક ગજનો કાનખજુરો નીકળ્યો!!! અસ્તુ. આ દેહ કોણ જાણે શા પરિણામ માટે નિમિત્ત હશે ! અમારાં પત્ની તો સુવા આવ્યાં – પણ આવ્યાં તે જ રોજ અત્તરની શીશી લાવેલાં – મેં પુછ્યું ક્યાંથી આણી તો કહે કે મારા ભાઈની ઉઠાવી આણી છે. આ પરથી જ મને બાઈશ્રીનામાં ચોરીનાં અંકુર જણાયાથી મનમાં ખેદ થયો. મને કોઈ રીતે સંતોષ કે આનંદ પેદા કરે તેવો ગુણ આ સ્ત્રીમાં ન હતો. હાલ મારા મનમાં એટલું જ હતું કે