પૃષ્ઠ:Atmavruttanta.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઉચ્ચ અભ્યાસ
૨૯
 

એ અભણ છે. પણ હું ભણાવી કુશળ કરીશ. પણ આજ સુધીના અનુભવમાં, અભણ, ચોર, કાવતરાંખોર, લુચ્ચી, જુઠી, ગળાં કાપતાં ન ડરે તેવી ને વ્યભિચારી એ સ્ત્રી મને પૂર્ણ રીતે જણાઈ છે. એ આ દરેક બાબતની સાબીતીનાં પ્રમાણ આપવા બેસું તો જુદો ગ્રંથ થાય એમ છે, પણ અત્રે એટલું જ જણાવવું બસ છે કે એ દરેક વાત ઘણા દાખલા જાતે જોઈ જોઈને મેં મારી પોતાની મેળે સાબીત કરેલી છે; ને તેમાં મેં કાંઈ પણ સાંભળ્યું હોય તે હીસાબમાં લીધું નથી. હાલ સુવા રહેલી તેમાં જ મારા પહેલાં ઉંઘી જવું, ખાટલો કદાપિ ન ઉથામતાં માકણભર્યો રાખવો ને પાથરવો નહિ, ખાટલામાં સુતે સુતે રાતમાં "બા, બા" એમ વદવું, કોઈ કોઈ વાર રાતે મુતરીને ખાટલો ભરી દેવો વગેરે અંતરની વાતોથી અને ખુણે ખાચરે ચોરીને ખાધાં જવું, જુઠ સાચાં કરવાં ખોટી વાતો સાસરા પીએર વચ્ચે ચલાવવી વગેરે બાહ્ય આચારથી મૂલમાંથી જ આ સ્ત્રી પર મને કેવી પ્રીતિ થઈ હશે તે વાંચનારે વિચારી લેવું. મારૂં ચિત્ત આમ છતાં પણ એ વાતમાં ન પરોવાતાં મારા માથે આવી રહેલી પરીક્ષામાં ગુંથાઈ ગયું હતું. મારા છેવટના જયનો વખત હાથવેંતમાં હતો, ને મેહેનત કરવામાં પાછી પાની કાઢતો નહિ. હું મુંબઈ ગયો ને પરીક્ષા સંતોષકારક રીતે આપી આવ્યો. મને મારા કામનો જે સંતોષ થયેલો તે સંબંધી એક વાત જણાવવા જેવી છે. મારા મિત્રે મને પુછેલું કે તું પાસ થાય તો તાર મુકીએ? મેં જવાબ દીધેલો કે પાસ તો હું થવાનો જ છું, પણ ક્લાસ લખી જણાવજો ને English વિષયનું કે History & Political Economy વિષયનું એક Prize મને મળશે તે પણ જણાવજો. તેણે પણ મારૂં કહેવું માન્યું ને પરીક્ષાનું પરિણામ જોવા જતાં ઘેરથી જ કાગળ લખી ક્લાસ અને ઈનામની જગો ખાલી રાખી ગયો. તેમાં પેન્સીલથી બીજો ક્લાસ તથા History & Political Economyના વિષયનું ઈનામ એમ લખી તેણે કાગળ મને મોકલ્યો તે વાંચી મને પરમ સંતોષ થયો કે મારી એક મેહેનતનું તો પરિણામ શુભ રીતિએ આવ્યું. આશા રાખું છું કે વાંચનાર વિદ્યાભિલાષી જનો આવા સંતોષથી કાર્ય સંપાદન કરી આનંદિત નીવડે. હું આખી પરીક્ષામાં બીજે નંબર પાસ થયો હતો, અને મારી ૩૦ માર્ક ઓછી હોવાથી પહેલા ક્લાસમાં ન જઈ શક્યો એમ ખબર થતાં અમારી કોલેજમાં Fellow તરીકે રહેવા મેં અરજી કરી. પ્રીન્સીપાલ વર્ડસ્વર્થની કૃપાથી મને Fellow નીમવામાં આવ્યો પણ પગારદાર જગો ખાલી ન હોવાથી Honorary નીમ્યો ને આવતા વર્ષથી પગાર મળવાનો ઠર્યો. મને મળેલી.