પૃષ્ઠ:Atmavruttanta.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦
મ.ન.દ્વિ.નું આત્મવૃત્તાન્ત
 

રૂ. ૨૦)ની સ્કોલરશીપ હજુ ચાર માસ ચાલે તેમ હતી એટલે આવી રીતે મળેલા માનનો ઉપભોગ કરવા હું મુંબઈ જઈ Fellow તરીકે કામ કરવા લાગ્યો.

મારી સ્ત્રી તથા મારા મિત્રમંડળ સંબંધી સહજ હકીકત આ વખતમાંની આપવી ઉચિત છે. બાળાશંકરને મેં નડીયાદ પાછો આણ્યો તે પછી મારે ને એને કાંઈ સંબંધ રહ્યો નહિ તે વળી પૂર્વવત્ થઈ રહ્યું. મોહનલાલ, ચતુરભાઈ એ એના પરમ મિત્ર હતા. આ વખતે એ ઉભયને કાંઈ કારણસર બાળાશંકરના સ્નેહમાં ન્યૂનાધિક જણાવા માંડયું, તેથી તેઓ એને મુકી દૂર થયા. હું નડીયાદ આવ્યો ત્યારે મને મળ્યા અને અમે ત્રણે, મારા બી.એ. થયા પછી, કાંઈક મિત્ર સંબંધમાં સંકળાયા. મારી અને આ બે માણસોની મૈત્રી જે હાલ પણ કાયમ છે તે તે કાલથી શરૂ થઈ. મારી સ્ત્રીને હું નડીયાદ આવ્યો ત્યારે બીજી વાર સુવા મોકલવામાં આવી. આવી તેને બીજે જ દિવસે તેની મા તેને પાછી લઈ જવા આવી. તે દારૂ પીને આવી હોવાથી ન કહેવાય તેવી ગાળો દઈ લઢાઈ કરી ગઈ. આનું પરિણામ, મારા મનને મારા સાસરાના માણસ પરથી કેવળ ફેરવી નાંખવાવાળું થઈ પડયું. મેં મારી સ્ત્રીને મારે ઘેર કબજે કરી, અને મારે સાસરે જમવા ખાવાનો વ્યવહાર મુકી દીધો. બેત્રણ માસ મારી સ્ત્રી મારા ઘેર રહી, પણ દરમીઆન તેની કાવતરાં, ચોરી તથા છુપા સંદેશ વગેરે કરવાની ટેવ મટી નહિ. હું નડીયાદમાં જ હતો તેવામાં મારા પિતાને કેટલાક લોકોએ શરમાવવાથી મારી સ્ત્રીને તેને પીએર જવા દીધી. મારા સાસરાવાળાં હવે તેને પોતાને ત્યાં રાખી બેઠાં, એમ કહીને કે અમારે તો મોકલવી જ નથી – અને તેના કારણમાં મારી મા મારી સ્ત્રીને મારે છે એવી નિરાધાર ગપ લોકમાં ચાલતી કરી.

આ સ્થલે કહેવાની જરૂર છે કે મારી જીંદગીની મુખ્ય શોધ કોઈ શુદ્ધ પ્રેમસ્થાન મેળવવા તરફ હતી. તેવું સ્થાન સ્ત્રી મળે, ને તે વળી પોતાની પરણેલી હોય તો ઘણું શ્રેષ્ઠ એમ હું માનતો. પણ વ્યર્થ! સ્ત્રીના અભાવે કોઈ પુરુષની સાથે ખરો પ્રેમ બંધાય તો તે પણ મને ઈષ્ટ હતો. આ જ કારણથી હું મિત્રોની વ્યવસ્થા વારંવાર કર્યાં જતો ને બને તેટલી રીતે મારા મિત્રો મારા પર એકપ્રેમ રાખે તેવો પ્રયત્ન આચરતો. પ્રેમનું સ્વરૂપ હું એક પ્રકારનો આનંદમય તથા પોતાપણું ભુલી પારકામાં તન્મય થવાય એવો અભેદ માનતો. મારૂં વય સમજવાળું થયા પછી હું કોઈ કોઈ સ્ત્રીઓના સંબંધમાં આવ્યો હોઈશ, તે પણ આવી શોધના ઇરાદાથી, વિષયવાસનાથી નહિ.