પણ સ્ત્રી પુરૂષ ઉભય પક્ષે મને મારી ઇચ્છા મુજબ ફલ મળ્યું નહિ, ને એ પ્રેમ અંતે વિરાગરૂપે પરિણામ પામ્યો એ આગળ જણાશે. આવા પ્રેમના આવેશમાં જ તે પ્રેમનું સ્વરૂપ બતાવવા માટે મેં મારા નવા મિત્ર મોહનલાલને ૧૮૮૦માં "પ્રીતિ પ્રેમ વદું જય જય જય વાણી" એ દિંડી લખેલી.
કોલેજમાં હું Fellow થયો. હવે મારે શું કરવું? લૉ ક્લાસમાં હું ૧૮૭૭નું વર્ષ ગયેલો, પણ Juisprudenceની પરીક્ષામાં નપાસ થયા પછી મેં એ અભ્યાસ મારા કોલેજના અભ્યાસમાં વિધ્નરૂપ માની મુકી દીધો. આ પરીક્ષામાં હું કેમ નપાસ થયો એ પ્રસંગ જાણવાજોગ છે. મેં આખા વર્ષમાં એ સંબંધી કાંઈ પણ વાંચ્યું ન હતું. ફક્ત ઈદરઉદર કાંઈ જાણતો હતો. મારો મિત્ર યુસુફઅલી મને આગ્રહ કરીને પરીક્ષામાં બેસવા લઈ ગયો. પરીક્ષાના સ્થલમાં કોઈ દેખરેખ રાખનાર ન હોવાથી ઘણાખરા ચોપડીઓ ઉઘાડી રાખી જવાબ લખી કાઢતા હતા, ને કેટલાક પડોશીનામાંથી "કોપી" કરી લેતા હતા. મને કાંઈ આવડે તેમ ન હતું એટલે હું ઊઠી જવા લાગ્યો. મારા મિત્ર યુસુફે કહ્યું કે મારામાંથી ઉતારી લે, પણ તે વાતની ના પાડી હું ચાલી ગયો. એ વખતથી મારી lawના અભ્યાસ સંબંધી કથા પુરી થઈ. Fellow થયા પછી એમ થયું કે હવે એ અભ્યાસ જારી કરૂં, પણ મને એમ લાગ્યું કે મારું મુંબઈમાં રહેવું મારી Scholarship બેચાર માસ ચાલે તેટલી જ મુદતનું છે. એટલે જેમાં ત્રણ વર્ષ જોઈએ એવા અભ્યાસમાં જરા આંગળી કરવાથી કાંઈ નફો નથી. M.A.ની પરીક્ષામાં જવાનો વિચાર થયો પણ તેએ આવા જ વિચારથી માંડી વાળ્યો. આમ છતાં એમ નિશ્ચય કર્યો કે M.A.માં History Philosophyનો વિષય ઘણો કઠિન મનાય છે, તે આખો વાંચી જ્ઞાન તો જરૂર મેળવવું. એ વિષયનો મને શોખ પણ ઘણો હતો, એટલે અમારા વિદ્વાન પ્રીન્સીપાલ પાસેથી ચોપડીઓની યાદી કરી આંણી વાંચવાનો આરંભ કર્યો. કવિતા બનાવવા વગેરેનો શોખ પણ ઘટ્યો ન હતો. સાહિત્યનાં સસ્કૃત પુસ્તકો, તથા બીજા નાટકાદિ કાવ્યના ગ્રંથ મારા વાંચવામાં આવ્યાથી મને એ વિષયનો ર્દઢ પ્રેમ થઈ રહ્યો હતો. ભવભૂતિપ્રણીત માલતીમાધવનું ભાષાંતર કરવું એમ બીજો વિચાર પણ કર્યો ને કામ શુરૂ કર્યું. કોલેજમાં ભણાવવા માટે તો મને કેવળ અણગમો આપનારા અને પુરા ન આવડે તેવા વિષય Trigonometry & Euclid મળ્યા. છતાં હું મેહેનત કરી જતો ને મારા વિદ્યાર્થીઓ મારાથી સંતોષ પામતા એમ હું જાણું છું. આ વ્યવસ્થાથી એપ્રિલ માસ સુધી ટર્મ પુરૂં કર્યું. જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં Convocation થઈ Diploma પણ