પૃષ્ઠ:Atmavruttanta.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪. ઉત્કર્ષ

મુંબઈમાં હું આશરે વળી ચાર વર્ષ રહ્યો; ૧૮૮૧ના માર્ચથી ૧૮૮૫ જાનેવારી સુધી. આ વખત જ મેં ઘણામાં ઘણા આનંદમાં, ઘણામાં ઘણા મોજમાં, ઘણામાં ઘણું જ્ઞાન મેળવવામાં ને આબરૂ મેળવવામાં ગાળ્યો છે, ને તે જ મારા જ્ઞાન અનુભવ ધીરજ વગેરેનો મૂળ પાયો છે. જે જે વાત હું હાથ ધરીશ તેનું આ ચારે વર્ષમાંનું સામટું વર્ણન આપી જઈશ. એટલે દરેક બનાવનો કાળક્રમ સચવાશે નહિ.

તેમાં પ્રથમ વાત મારી નોકરી સંબંધેની છે તેનું વર્ણન આપવું જોઈએ. ને ભેગું મારા મિત્રમંડળનું પણ કાંઈક આવશે. નોકરી કરતાં, ચાર પાંચ માસ થતાં એકલા ગમવા માંડ્યું નહિ, તેમ મારા મિત્ર મોહનલાલને નોકરીની અપેક્ષા ઘણી છે એમ મારા જાણવામાં પણ હતું તેથી તેને પ્રથમ રૂ. ૧૨ના પગારથી હું એક મહેતાજી તરીકે લાવ્યો. પ્રારબ્ધયોગે, મારા મુંબઈ છોડવાની વખતે, તેને રૂ. ૨૭) પગાર તથા ભણાવવા વગેરે ૧૫-૨૦ મળી લગભગ ૫૦) મળતી હતા ને હાલમાં ૬૦-૭૦ પડે છે. થોડીક મુદત પછી મારા બીજા મિત્ર ચતુરભાઈની પણ એવી જ ઈચ્છા જણાયાથી તેમને પણ મૂળ રૂ. ૧૨)ના પગારથી આણ્યા. પણ તેમનું નસીબ તેવું ચાલ્યું નહિ. હું મુંબઈથી ગયો તે વેળે નોકરી મુકી દીધી ને છાપખાનાનો ધંધો નડીઆદમાં માંડ્યો. કોઈના હક ડુબાવી મેં પ્રોમોશન વગેરે કદાપિ આપ્યું નથી, ને તેથી જ ચતુરભાઈ પછાત રહી ગયેલા. ત્યાંના મહેતાજીઓનો સંબંધ થયો તેમાં દલાભાઈ નામના મહુધાના પટેલનો સંબંધ ઘણો ઉત્તમ થયો. તેના જેવો કામગરો તથા એકવચની માણસ અને ચોખા દીલવાળો મને મારા આખા મિત્રમંડળમાં અદ્યાપિ મળ્યો નથી. બીજા ઘણા ઘણા મહેતાજીઓના સંબંધ થયેલા, પણ તે ફક્ત નોકરી રહી ત્યાં સુધી જ રહ્યા ને બદલી થયા કેડે ઘસાઈ ગયા. એવો જગતનો રીવાજ છે કે સ્વાર્થ માટે માણસ ખુશામત કરે, જે કહો તે કરે, દોસ્તી બતાવે, પણ સ્વાર્થ થયે કાંઈ નહિ. આમાંના ઘણાખરા સુરતી હતા – ને એ લોકો બાબત તો મેં છેક કોલેજમાંથી નિર્ણય કરેલો હતો,