પૃષ્ઠ:Atmavruttanta.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઉત્કર્ષ
૩૯
 

મળે તો તે plan ઉપર શાળા કાઢી મારે મફત કામ કરવાની તેમાં મેં પ્રતિજ્ઞા કરી હતી. કાઠીયાવાડમાં રૂ. ૫૦-૬૦ હજારનું ફંડ એ જ કામ માટેનું છે એમ જાણી મેં તે બાબત પેરવી કરી, અને કેવળ મારા પંડની મહેનત કરવા વચન આપ્યું, પણ એમ જણાયું કે ફંડ તો અમુક પ્રકારની જ સ્ત્રીકેળવણીમાં વાપરવા માટે સરકાર સુધી નિર્માણ થઈ ચુક્યું છે. મુંબઈમાં રા. ગોકળદાસ કહાનદાસ વગેરેએ મને એક વર્ષની અજમાયસનું દ્રવ્ય આપવા કબુલેલું, પણ મારી ગેરહાજરીમાં એ વાત કોઈએ માથે લેવા હામ ભીડી નહિ. મુંબઈની શાળાઓમાં ગાયાનો કાંઈક શોખ પેસાડવા પણ મેં પ્રયત્ન કરવામાં બાકી રાખી ન હતી. આમ કેળવણીમાં સુધારો થવાથી જ દેશનું કલ્યાણ છે એમ - સમજી હું તન મન અને જે મળે તે યથાશક્તિ ધનથી મેહેનત કરતો, પણ જાણવા જોગ પરિણામ અત્રે નોંધવાનું મારે હાથ નથી એથી દલગીર છું. આ વખતમાં દર માસે રૂ. ૩-૪, મારા ગામની હાઈસ્કૂલમાં ગરીબ પણ ભણવે કુશળ છોકરા હોય તેમને મારૂં નામ ન જણાય એમ ગુપ્ત રીતે અપાવતો. આવા પ્રકારના શ્રમ અને વિનોદમાં તથા નવા નવા એ સંબંધી ગ્રંથો વાંચવામાં ને યોજના કરવામાં મારો કાળ જતો. ઓફીસ સંબંધનું કામકાજ એ તો જુદું.

એ સિવાયના વખતમાં મારો ખાનગી અભ્યાસ અને લખવાનું ચાલતું. અભ્યાસ પરત્વે મેં જે સંસ્કૃત તથા અંગ્રેજી વાચનનો આરંભ કર્યો હતો તે દ્વારા મનને પુષ્કળ વિચારવાનું મળતું. હું મુંબઈમાં જ્યાં રહેતો હતો તે સ્થળ પાસે જ મારી કોલેજના મારા પરિચિત વિદ્વાન્ શાસ્ત્રી ભીમાચાર્ય રહેતા હતા. તે ન્યાય વગેરેમાં એક રત્ન છે. તેમની પાસે 'સર્વદર્શનસંગ્રહ' વાંચવાનો આરંભ કર્યો. હું મારી મેળે ભગવદગીતા ને તે પરનાં ભાષ્ય ટીકા વગેરે તથા બ્રહ્મસૂત્ર અને શારીરક તથા પંચદશી વગેરે વેદાન્તનાં પુસ્તકો વાંચતો. અંગ્રેજીમાં પણ ફીલોસોફી વગેરે ચાલુ જ હતું. આ પ્રમાણે થોડી મુદત ચાલ્યા પછી મને એમ નિર્ણય થયો કે હિંદુધર્મના નિયમોમાં જ કાંઈ પણ તત્ત્વ છે. આ ઉપરથી મેં ૧૮૮૨થી કોલેજમાં રહેવાથી થયેલું મારૂં નાસ્તિકપણું તજી, પૂર્વની પેઠે સંધ્યાવંદન વગેરે પ્રાતઃકાલમાં ઉઠીને તરત કરવાનો રીવાજ રાખ્યો તે અદ્યાપિ ચાલુ છે. આ રીતિએ જેમ જેમ હું વાંચતો ગયો ને જોતો તથા વિચારતો ગયો તેમ મારા મનમાં 'વેદાન્ત'- (શંકરનું)-ના નિશ્ચય દ્રઢ થતા ગયા અને તેને અનુસરીને હું સુધારા વગેરે તમામ બાબતોના નિયમોની મારા મનમાં યોજનાઓ કરવા લાગ્યો. આવી બુદ્ધિપૂર્વક યોજનાઓનું પરિણામ એ