પૃષ્ઠ:Atmavruttanta.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦
મ.ન.દ્વિ.નું આત્મવૃતાન્ત
 

આવ્યું કે મારા દરેક વિષયના નિર્ણયની યોજના તપાસી જોતાં જુના કોઈ સ્મૃતિકાર કે શ્રુતિકારનામાંથી ન નીકળે એમ નથી બનતું. મારા વિચારો આમ હિંદુધર્મમય થઈ જવાથી સુધારવાળાને તે વેહેમ જેવા લાગે છે, પણ મને તો બુદ્ધિથી વિચારતાં એ વિના બીજો શ્રેયસ્કર માર્ગ જ સુજતો નથી. આ નિર્ણય થયા પછીનાં મારાં તમામ લખાણોમાં મેં આવા વિચાર પ્રતિપાદન કરવાનો વારંવાર પ્રયત્ન કર્યો છે; ને ઘણાએક વિચારવંત માણસોનાં મન પણ હું ફેરવી શક્યો છું. આવી રીતે વાચનના ને વિચારના વખતમાં પણ મારી પરમપ્રિય "કવિતા"ને હું વીસરી ગયો ન હતો. તે સંબંધી પણ વાંચવા યોગ્ય સાહિત્યાદિકનાં પુસ્તકો વંચાતાં ને કાવ્યો નાનાંમહોટાં બન્યાં જતાં. મુંબઈમાં ફરી આવ્યો ત્યારથી મેં "કાન્તા" નામનું નાટક લખવાનો પ્રારંભ કર્યો હતો તે હાલ પુરૂં થયું ને તેને છપાવ્યું. એના પર ઘણા પત્રાદિકમાં ટીકા થઈ છે. તેમાં કોઈએ પ્રશંસા સિવાય બીજો અભિપ્રાય આપ્યો નથી. "સ્પેક્ટેકર"માં મી. મલબારીએ ઘણી જ સ્તુતિ કરી છે. પણ કારણ વિનાની સ્તુતિ કે કારણ વિનાની નિંદાથી મને હર્ષ શોક થતાં નહિ; એટલે રા. સા. નવલરામ લક્ષ્મીરામ જેને હું ગુજરાતમાં પ્રથમ વર્ગના ટીકાકાર તરીકે માનું છું, તેમણે "ગુજરાત શાળાપત્ર"માં મારે માટે લગભગ ૪૦ પાનાં લખ્યાં તે વાંચી મને મારી કદર થઈ જણાઈ. તેમણે મને પ્રથમ વર્ગના લખનારમાં ગણી "કવિ" નામ આપી નાટકને ઘણું વખાણ્યું (જો કે તેના Plot બાબત મારો ને તેમનો મતભેદ રહ્યો) અને એમાંનાં કાવ્ય જે મારા મનમાં હું બહુ જ સારાં માનતો હતો ને માનું છું, તેનું તો તેમણે યથાર્થ તત્ત્વ પકડી જાહેર કર્યું તેથી મને પરમ સંતોષ પેદા થયો. આ ગ્રંથની આવી ચર્ચા ચાલતી હતી તેવામાં મારા મિત્રો મોહનલાલ તથા ચતુરભાઈની વારવાર માગણી થવા પરથી ભવભૂતિપ્રણીત "ઉત્તરરામચરિત"નું ભાષાન્તર પણ, મેં કરવા માંડ્યું હતું તે થોડા કાલમાં પુરૂં થયું. હું જે જે લખાણ કરતો તે એક જ વાર લખતો; મને ફરી નકલ કરવાનો ઘણો કંટાળો હોવાથી એકવાર લખીને તેમાં જ કાંઈ સુધારા કરવાના હોય તે કરી છાપવા મોકલતો, એમ થયાથી મારાં લખાણ ખોવાવાની મને બહુ ધાસ્તી રહેતી, ને એમ એકબે વાર બન્યું પણ છે. છતાં આ મારી ટેવ ગઈ નથી ને જેમ જેમ વધારે લખવાનું આવતું જાય છે તેમ તેમ લખીને ફરી વાંચવાનો પણ અવકાશ મળતો નથી. છાપેલાં પ્રુફ જોતાં ફરી જોવાય છે. તેમાં આ "ઉત્તરરામચરિત" માટેની ઉતાવળને લીધે તેને તો હું ભાષાન્તર બનાવતો જતો ને બનેલું છપાવતો જતો એમ ઝટ