પૃષ્ઠ:Atmavruttanta.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨
મ.ન.દ્વિ.નું આત્મવૃતાન્ત
 

તેમ જ ભવિષ્યનાં પણ વૃત્તાન્ત કહેવાં વગેરે વિવિધ ચમત્કાર મેં મુંબઈમાં હજારો મિત્રસંબંધીઓને વારેવારે બતાવ્યા છે. તથા, પંડે તો ઘણું બારીક અવલોકન કરી એ બાબતોના ઘણા નિર્ણય કર્યા છે. રા. રા. મનસુખરામભાઈને ઘેર અમારા ગામના દેસાઈ હરિદાસ વિહારીદાસ જેઓ હાલ જુનાગઢના દિવાન છે તે આવ્યા હતા તેમને પણ મેં મારા ઘર આગળ આ બનાવ બતાવ્યો હતો અને એ આ વાતને માનતા નહિ, છતાં તેમના ઘર સંબંધની પુછેલી વાત તમામ કહ્યા પ્રમાણે જ મળતી નીકળવાથી તેમણે પૂર્ણ શ્રદ્ધાથી આ વાત માનવા માંડી. મારા ભવિષ્ય સંબંધમાં ૧૮૮૨ની લગભગ આખરમાં કહ્યું હતું કે "બે વર્ષ અને અમુક માસ વગેરે પછી ઉત્તર દિશાના કોઈ દેશી રાજ્યમાં રૂ. ૨૦૦)ના પગારથી તારે જવાનું છે." ભાવનગરમાં કોલેજ નીકળશે ને ત્યાં પણ હું જઈશ એ વાત આ વખત કોઈના સ્વપ્નમાં આખી દુનીયાંમાં પણ ન હતી, છતાં આ ભવિષ્ય કેટલું ને કેવું ખરું પડ્યું છે તે વાંચનાર જોઈ શકશે. આ ભવિષ્યની વાત મેં પંડ્યા હરિલાલ કીરપારામને તે જ સમયે કરી હતી, ને તેણે મને ભાવનગર નોકરી મળી ત્યારે કાગળ લખેલો છે કે "મેસ્મેરીઝમની વિદ્યા હું કોઈ વાર ખરી માનું તો આ જ વાત માનું છું, કે બે વર્ષ આગળ કહેલી વાત આજે અક્ષરે અક્ષર નીવડી આવી." આવી જ રીતિની શોધમાં મને વિશેષમાં પણ કહેવામાં આવેલું પણ તે કાંઈ નિશ્ચિત જેવું નથી. મને એમ જણાવેલું છે કે "I see a very bright future before you. You will be a great and good man, Oh! how I love you." એ વાત થઈ ન થઈ મારાથી સમજાય તેવી નથી, પણ આવું કહેલું માત્ર મને યાદ છે. મારા નાનાભાઈના પરણવા સંબંધી પણ તેણે એવી મુદત મારી હતી કે સોળ વર્ષને વયે કે કોણ જાણે ૧૮૮૨ પછી સોળ વર્ષે (હાલ મને નક્કી યાદ નથી) પરણશે, આ વાત પણ હજુ જોવાની છે. મારા મિત્ર ગોપાળદાસ તે વેળે સ્ટેટ્યુટરી સીવીલ સર્વીસમાં ઉમેદવાર હતા ને તેમને માટે નિર્ણય લગભગ થયો હતો પણ મારી આ મેસ્મેરીઝમની ગણનામાં તે ફત્તેહ નહિ પામે એમ આવેલું હતું, ને તેમજ થયું. આ સર્વ બાબતો જોતાં ને વિશેષ વાંચતાં નિર્ણય થયો કે :

(૧) જગત્ જડમાત્રનું બનેલું છે એમ હાલના પાશ્ચાત્ય Scientists માને છે તે ખરૂં નથી. કેવળ ચૈતન્યમય જગત્ હશે કે કેમ તે નિર્ણય મારાથી બને તેમ નથી, પણ જડમય નથી એનો નિર્ણય ડાર્વિન જેવાની Evolution Theoryમાં પણ Protoaplasm આગળથી જીવ માનવા માંડ્યો છે તે