પૃષ્ઠ:Atmavruttanta.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪
મ.ન.દ્વિ.નું આત્મવૃતાન્ત
 

માંડ્યો. ને આ બનાવો શું હતા તથા કેમ બન્યા તે સમજવા પ્રયત્ન કર્યો. એ સમજ્યા પછી, હવે ફરી ચલાવવાનું મને મન હતું, પણ મારૂં શરીર કેવળ પાયમાલ થઈ જવાથી એ વાત બની નથી. આ પ્રસંગને લીધે અમેરિકાથી આવેલી મેડેમ બ્લૅવેટ્સકી ને કર્નલ ઑલકોટે ચલાવેલી Theosophical Society વિષે મને વિચારવાનું મન થયું હતું. તેમણે ૧૮૮૨ સુધી કાઢેલાં 'Theosophist' હું વાંચી ગયો, અને મને મેસ્મેરીઝમમાં જે અડચણ આવી હતી તે બાબત મેં કર્નલ આલકોટને લખ્યું. મારો તે પત્ર 'Theosophist'માં 'Dabbling in Mesmerism' એવા નામથી છપાએલો છે ને તે બાબત મને કાંઈ ખુલાસો પણ મળેલો છે. આ પહેલાં કે એ પછી મેં એક બીજું પત્ર લખ્યું હતું, તે મેડેમ બ્લૅવેટ્સકીને હતું; ને તે જે મહાત્માઓની વાતો કરતી હતી તેમાંના કોઈનો મને ચેલો બનાવે તો હું સંસાર છોડી જવા તૈયાર છું, એમ મેં તેને જણાવ્યું હતું. તેમાં મેં મારા મનના ધર્મ સંબંધી ફેરફારોનું વર્ણન આપ્યું હતું. આ પત્રનો થોડોએક ભાગ 'Theosohist'માં "Saving of a Hindu soul" એવા ગર્વભર્યા શબ્દોથી તેણે છાપ્યો છે. આનો જવાબ સંતોષકારક રીતે ન મળતાં કર્નલ આલકોટ મુંબાઈ આવે ત્યારે તેને મળવાની મને ભલામણ થઈ. 'મેસ્મેરીઝમ' સંબંધે કર્નલને ને મારે પત્ર દ્વારા ઓળખાણ થયું હતું. એટલે તે મુંબઈ આવ્યા ત્યારે હું તેમને મળ્યો. તેઓ મારી મેસ્મેરીઝમમાં કુશળતા જોઈ ઘણા પ્રસન્ન થયા; અને મને એક બે તે સંબંધના દુર્લભ ગ્રંથ પોતાની પાસેથી વાંચવા આપ્યા. મારૂં મન વગર Theosophy એ એવે રસ્તે આવ્યું હતું કે તે Theosophy માં જ પડ્યું હતું. થીઓસોફીના ઉદ્દેશ: –

(૧) માણસમાત્ર સમાન છે, માટે ભાઈતુલ્ય માનવા.

(૨) ધર્મમાત્રમાં સત્વ રહેલું છે તે નિર્ણય કરવો કેમકે સર્વ ધર્મમાં કાંઈ ને કાંઈ હોય છે ને તેમ કરી ખરી વાતનો સર્વતંત્રસિદ્ધાંત સમજવો.

(૩) આધ્યાત્મિક વિદ્યા યોગાદિક સર્વેનો શોધ કરવો.

આ ત્રણે વાત Theosophist થયા વિના પણ મને માન્ય હતી એટલું જ નહિ પણ મારા નિત્ય અભ્યાસના વિષયોમાં મુખ્ય હતી. મારા જેવી જ શોધ કરનારા બીજા વિદ્વાનો Theosophical societyમાં હશે, ને તેમના અનુભવની મને મદદ મળશે એમ સમજી હું પણ ૧૮૮રના ચોમાસામાં મેંબર થયો. અમુક યોગશક્તિવાળા 'મહાત્મા' એ નામથી વ્યવહારમાં જાણીતા સિદ્ધ લોક ટીબેટ વગેરેમાં છે, ને તેમને બ્લૅવેટ્સકી, ઓલ્કોટ, વગેરે સાથે સંબંધ