પૃષ્ઠ:Atmavruttanta.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઉત્કર્ષ
૪૫
 

છે તથા તેઓ વિવિધ ચમત્કાર કરે છે. આવી વાતો ઘણી મનાતી અને અમારા મંડલમાંના ઘણા એ જ બાબત પાછળ ને 'મહાત્મા'ને મળવા પાછળ મંડેલા હતા. હું આ વિષે આતુર ન હતો; હું એમ માનતો ને હાલ પણ માનું છું કે આવા 'મહાત્મા' સિદ્ધ વગેરે હોય છે, માણસ પોતે મેહેનત ઉઠાવે તો તેવું થાય, પણ કહેવામાં આવે છે તે મહાત્માઓ હયાતીમાં હશે કે નહિ, અથવા તેમને જણાવવામાં આવે છે તેવા ચમત્કાર કરવાના સંબંધ જણાવેલાં માણસો સાથે હશે કે નહિ એ વિષે મારા મનમાં કશો નિર્ણય ન હતો ને હાલ પણ નથી. આ પ્રમાણે મારો સંબંધ ચમત્કાર માટે Theosophy સાથે થયેલો ન હતો. નહિ કે મેડેમ કોલાં વગેરેએ જે તોફાન કર્યું તે માટે હું આમ બોલું છું, કેમકે મને તે તોફાનથી કશી અસર થઈ નથી. ઉલટું સદયોગે એ તોફાન સબબ મને મારા આવા વિચાર જાહેર કરવાનો પ્રસંગ પણ મળ્યો હતો. એ તોફાન લગભગ ૧૮૮૪ની આખરમાં બન્યું. પણ મેં ૧૮૮૪ના અગસ્ટમાં ભાષણ આપ્યું હતું ("Logic of commonsense") અને તે મુંબઈની Theosophical Societyને પસંદ પડવાથી છપાયું હતું. તેની પ્રસ્તાવનામાં મેં મહાત્મા વગેરે સંબંધી મારા આવા જ અભિપ્રાય દર્શાવ્યા છે. આખા ભાષણની મતલબ પણ કોઈ ગુપ્ત વિદ્યા કે મહાત્મા કે સિદ્ધનું નામ દીધા વિના જ કેવળ યુક્તિવાદથી અધ્યાત્મજ્ઞાન અને મુખ્ય કરી વેદાન્ત સિદ્ધાન્ત સાબીત કરવા ઉપર છે. આ ભાષણની રચના થઈ આવવાનો પ્રસંગ જુદો જ છે. સુરતના ગુજ્જર સુતાર ત્રિભોવનદાસ કલ્યાણદાસ M.A.ને માટે અભ્યાસ કરતા હતા ને B.A. તથા B.Sc.માં પાસ થયા હતા તે આ વેળે મારી પડોસમાં રહેતા ને મારા ઉપર ઠીક મમતા રાખતા. તે કેવળ નાસ્તિક તથા European Science માત્રને જ માનનાર હતા. તેની સાથે નિરંતર ઘણો વાદવિવાદ થતો. ભોગજોગે mesmerism આ વેળે મેં મુકેલું હતું એટલે તે તો તેને બતાવાય તેમ ન હતું. પણ યુક્તિ પ્રયુક્તિ ઘણી થયાં જતી તેમાં એનો પૂર્વપક્ષ સમજવા માટે Science સંબંધી પણ થોડા ગ્રંથ વાંચવામાં આવ્યા. આ સર્વ પરથી મેં કહ્યું તે ભાષણ લખી કાઢ્યું હતું. એ જ ત્રિભોવનદાસ સાથેના વિચારોમાંથી આગળ જેનું નામ આપી ગયો છું, તે ગુજરાતી વાચનમાળા સુધારવાનું ચોપાનીયું પણ નીકળેલું. वाकयसुधा અથવા 'દગદૃશ્યવિવેક' નામના સંસ્કૃત પુસ્તકનું ભાષાન્તર કર્યું. ને તે Theosophistમાં છપાવ્યું. આ પ્રમાણે અધ્યયન ચાલ્યું જતું. તે સબંધમાં એક પરભુ દક્ષણી નામે વિઠ્ઠલરામ પાંડુરંગ મ્હાત્રે જે L.M.S. હતો તે મારો સારો સ્નેહી થયો.