પૃષ્ઠ:Atmavruttanta.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઉત્કર્ષ
૪૯
 

ઓનરેબલ મી. કાશીનાથ તેલંગે ગઈ મીટીંગની મીનીટ વાંચી સંભળાવી તેમાં એક નોકર રાખવાની બાબત લખેલી હતી. તે બાબત રા. સા. વિરપ્રસાદ તાપીપ્રસાદે વાંધો લીધો કે એ વાત થઈ નથી ને સેક્રેટરીએ કપોલકલ્પનાથી ગોઠવી દીધી છે. સેક્રેટરી પર આવું તોહોમત આવ્યાથી સર્વના મત લેવા માંડ્યા. સર્વેએ કાને હાથ દેવા માંડ્યા; હું દરેક મીટીંગે જે કામ થાય તેની નોંધ મારી નોટબુકમાં રાખતો. તે નોટબુકમાં જોયું તો જે વાત સેક્રેટરીએ જેમ લખી હતી તેમજ થયેલી હતી એમ માલુમ પડ્યું. મેં તે વાત પ્રમુખને જણાવી, ને મેં જણાવી એટલે સર્વેએ એમ કહ્યું કે જો મણિલાલની નોટબુકમાં હોય તો એ વાત ખરી અમે પણ માનીએ કેમ કે એની પાસે ઘણી સંભાળથી લીધેલી નોટ છે. એક વીરપ્રસાદ મારા પર ઘુરકવા લાગ્યા, પણ મેં શાંત વૃત્તિ રાખી નોટબુક રજુ કરી. સેક્રેટરી ગુનામાંથી મુક્ત થયા ને તે પછી એમના પગાર સંબંધી તે જ દિવસે આવવાની હતી તે દરખાસ્ત આવી ને પસાર થઈ. મારા જેવો સાધારણ માણસ, જેને તેમણે મનસુખરામની પક્ષનો ધારી કેવળ અપ્રમાણિકમાં ગણેલો ને તેથી તેની સલામ પણ આજ સુધી ઝીલેલી નહિ, તે જ આવી શાન્ત વૃત્તિથી ને હીંમતથી વીરપ્રસાદ જેવા મોહોટા માણસની અમે થઈ સાચી વાત ટકાવી રહ્યો એ જોઈ રા. ઝવેરલાલભાઈને કાંઈ નવાઈ લાગી ને તેમણે મને તે જ દિવસે કહી બતાવી. તે દિવસથી તેમને ને મારે સામાન્ય સંબંધ બંધાયો; જો કે મૂલથી તેવો બંધાવામાં કાંઈ હરકત ન હતી, પણ માણસ પોતે જેવા હોય તેવા જ સામાને ધારે છે એટલે રહી ગયેલો. આ કામ ચાલતું હતું તેવામાં સરકારે Local Self Governmentની Scheme કાઢી. તે બાબત મુંબઈમાં ગુજરાતીઓની મંડળી બંધાઈ; એવા ઉદ્દેશથી કે ગુજરાતમાં લોકોને એ વિષે સમજુત આપવી. આ મંડળમાં પણ ઉપર કહ્યા તેના તે જ ગુજરાતી હતા ને હું પણ હતો. એ મંડળીએ થોડું કામ કર્યું પણ જાહેર ઉદ્દેશ કહ્યો તેવો છતાં ફક્ત ઝવેરલાલને બહાર પાડવા તથા તેમનાં લખાણ સરકાર સુધી ફેલાવી તેમની કીર્તિ વધરાવવી એવો આ મંડળના મુખ્ય લોકનો ખાનગી ઉદ્દેશ મુખ્ય રીતે માલુમ પડવાથી સર્વનું એ કામમાં મન રહ્યું નહિ; તેમ એ મંડળના મુખીઓએ પણ તેમના ખાનગી ઉદ્દેશની વાત પાર પાડતાં એ મંડળ વીખેરી પણ નાંખ્યું. આ સિવાય બીજી નાની મોહોટી સભા, મંડળી બેઠક વગેરેમાં હું ભળતો. મારા ઓફીશીયલ કામ પ્રસંગે, મારા લખવા કરવાથી તથા આવી સભા વગેરેમાં મળતા રહેવાથી મુંબઈમાં મારી ખ્યાતિ સારી થઈ હતી. ને બહારગામમાં પણ મારું નામ

મ.ન.દ્વિ - ૪