પૃષ્ઠ:Atmavruttanta.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦
મ.ન.દ્વિ.નું આત્મવૃતાન્ત
 

પ્રસિદ્ધિને પામ્યું હતું. મારાં ઓળખાણ વગેરેમાં ઘણો વધારો થયો હતો. નહિ કે આ વાતથી મને ગર્વ આવીને તે હું આજે પણ યાદ રાખી લખી મુકું છું. તે પણ એમ જણાવવાને કે આમ મારી પ્રતિષ્ઠા થવાથી મારા વિચારો ને લખાણો લોકોને ધીમે ધીમે અસર કરવા લાગ્યા. કવિ નર્મદાશંકર જે જુના જમાનામાં સુધારાના મહારથી તે આ વખતે બદલાઈને મારા જેવા જ વિચાર જણાવતા લખતા હતા. અરે, મારી તેમની એટલી બધી એકતા હતી કે તેમણે તેમના મરવાના પ્રસંગે હું તેમને મળેલો તેવામાં મને જે શબ્દો કહેલા તે પરથી જ તે એટલી વધી છે એમ મેં જાણેલું. તેમણે એવી મતલબનું કહ્યું કે "હવે આ દેહનો અંત આવે તો ઠીક કે ઘરનાં માણસ હેરાન થતાં અટકે. અમે તો હવે એકલા પડ્યા. અમારા ભક્તો, અમારા મિત્રો, અમારા સ્નેહીઓ અમને બગડેલા, વહેમી ઠરાવી વેગળા થયા. પણ ખરી વાત હું હાલ કહું છું તે જ છે એ મારું હૃદય જાણે છે. જવાનીઆ સુધારાવાળા મારી ઉપર કરડી નજર કરતા હશે પણ હું કહું છું કે તેમના જ મંડલમાં એક જવાન ઉછરે છે જે પરિણામે મારા જ વિચારો તમારે [? તેમને] ગળે ઉતારશે – એ માણસ તમે જ. તમારા સર્વે લખાણ મેં લક્ષપૂર્વક વાંચ્યાં છે. તમારી વાતો સાંભળી છે, ને એમ જ માનું છું કે તમે જે રસ્તે છો તે જ રસ્તે ચાલ્યા જજો. એ જ ખરી વાત છે," ગુજરાતમાં જુના કે નવા બીજા કોઈ સુધારકોનું બળ હતું નહિ, આવા સમયમાં મારી મહેનતની અસર થાય પણ તે મારા પર લોકને વિશ્વાસ હોય તો જ. મારા લખવાની અસર થઈ એમ હું માનતો નથી, પણ હાલનો જમાનો જુના સુધારાને મુકી કાંઈક હિન્દુ ધર્મની છાયા હોય એવા સુધારા તરફ વળે છે એ તો હું સ્પષ્ટ જોઈ શકું છું. આ ક્રમમાં હજારમેં હીસ્સે પણ મારાથી મદદ બને તો કરવી એ આગ્રહથી જ હું મથ્યા કરું છું કેમકે એમ ખરે રૂપે થાય એમાં જ દેશનું કલ્યાણ માનું છું.

આ સર્વ કર્મોથી બચેલો વખત મિત્રમંડળમાં ને ગંમતરમતમાં ગાળવામાં આવતો. નડીઆદથી આણેલા મારા બે મિત્રો જેઓ ને હું ઘણું કરી સાથે જ રહેતા તે તથા જેટલા ભાઈનું નામ મેં આગળ લખેલું છે તે નિરંતર મારી પાસે રહેતા. તેમાં હરકિસન, મોતીરામ, જગન્નાથ એટલા વારંવાર મળતા. અમારી મુખ્ય ગંમત કવિતાઓ વાંચવી ગાવી એ હતી. માસમાં એકાદવાર એક મીજબાની સર્વે વારાફરતી કરતા, ને તેવા પ્રસંગે ઘણો આનંદ થઈ રહેતો. એમ કહેવું જોઈએ કે આવા પ્રકારનો મિત્રમંડળનો આનંદ મુંબઈમાં બે ચાર