પૃષ્ઠ:Atmavruttanta.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઉત્કર્ષ
૫૩
 

આમ જણાયા પછી મારો ને તેનો દ્ર્ધ સ્નેહ બંધાયો છે.

મુંબઈમાં બીજો સંબંધ મારા પડોશી સનમુખરામ નરસઈદાસ ભરૂચના ભાર્ગવ બ્રાહ્મણ હતા તેમનો થયો હતો. તે વયોવૃદ્ધ હતા ને પોલીસમાં શિરસ્તેદારી કરતા. તેમની સ્ત્રી રૂક્ષ્મિણી રૂપવતી તથા ગુણવતી હતી. તેને લીધે આ સંબંધ બંધાયો હતો, પણ તેણે મૈત્રીનું રૂપ કદાપિ પકડ્યું નથી. સનમુખરામ ગુજરી ગયેલા છે, પણ તેના કુટુંબીઓ આજે સારા સંબંધ રાખે છે.

એવા જ પ્રકારનો સંબંધ વ્રજવલ્લભ મનસુખરામ નામે અમદાવાદના વાણીયા પોર્ટ ટ્રસ્ટમાં નોકર હતા તેમનો થયો. તે મૂલ વડોદરે નિશાલમાં ક્લાર્ક હતા ત્યારે તેમણે મને આફીસીઅલ એકાદ પત્ર લખેલું તે યાદ લાવી અમે બને "ગુજરાતી સોશીઅલ યુનીયન"માં મળ્યા તેવામાં તેણે મારૂં ઓળખાણ કર્યું. તે મુંબઈમાં બીજીવાર પરણ્યો હતો અને સાસરામાં રહેતો હતો. તેની સ્ત્રીના રૂપ વગેરેની તથા ચાલ વગેરેની વાત એક મુસલમાન તેને ઘેર વારંવાર આવતો રહેતો તે અમને પણ મળતો તે દ્વારા જાણેલી, તેથી તેનું ઓળખાણ કરવાનું મને પણ મન હતું. અમે સહજ સંબંધમાં આવ્યા અને વારંવાર જયકૃષ્ણ વ્યાસના વેદાન્તવ્યાખ્યાનમાં સાથે શ્રવણ કરવા જતા.

આથી ચોથો સંબંધ સુરતના ત્રીભુવનદાસ કલ્યાણદાસનો થયો. તેઓ કોલેજમાં હું fellow હતો ત્યારે મારી પાસે ભણેલા અને હાલમાં પોતે એમ.એ. થઈ fellow હતા. અમે સહજ સ્નેહમાં, પૂર્વના ઓળખાણથી બંધાયા. તે માણસની વૃત્તિ કેવળ નાસ્તિક હતી, અને ચિત્ત પ્રેમ સંબંધમાં ખરૂં ર્દઢ ન હતું, છતાં આ માણસને ને મારે ઘણો સારો મૈત્રીસંબંધ થયો. કાંઈક કાળ તે સારો ચાલ્યો, પણ મુંબઈ છોડતાના વખતમાં તેને મેં તાજા કરેલા એકબે સંબંધના દાખલા માલુમ પડતાં તેના મનમાં મારે માટે જે માન હશે તે કમી થઈ ગયું. પ્રેમ તો તેને ને મારે હો વા ન હો, પણ તેણે તો મારા જ્ઞાન વગેરેને લીધે સંબંધ કરેલો, તેમાં આવું જાણ્યાથી ફેરફાર થઈ પડે એ ખુલી વાત છે. તે મારી કોઈ પણ સ્થિતિ વિચારતો નહિ. મારી સ્ત્રીને હું કેમ રાખતો નથી એ બાબત વાસ્તવિક વિચાર ન કરતાં, અંગરેજોની પેઠે સ્ત્રીને નામે જ તમામ સદગુણ સમજી, મને વારંવાર નડતો. મારે સ્ત્રી નહિ વગેરે અડચણોમાં હું એકાદવાર વ્યભિચાર કરી લઉં તે તે સહન ન કરી શક્યો અને તેના મનમાંથી મારે માટેનું માન ઓછું થયું. તેના અને મારા અભિપ્રાય તો ધર્મમાં, સંસારમાં, વ્યવહારમાં, ભણવામાં બરોબર ઉલટા જ રહેતા.