પૃષ્ઠ:Atmavruttanta.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઉત્કર્ષ
૫૫
 

જવાબ લખ્યો તે એવી મતલબનો કે તમે મને ફસાવી હેરાન કરવા માંગો છો, પણ હું તો પ્રમાણિક ડાહ્યો ને પંડિત વગેરે છું ને તમે તેથી ઉલટા ને ફાંસીયા છો વગેરે વગેરે. આમ ઉપકારનો અપકારથી પણ અધિક બદલો જોઈ મને આશ્ચર્ય લાગ્યું ને કાંઈક ક્રોધ પણ આવ્યો જેના આવેશમાં મેં હરિલાલને સામું તેવું જ પત્ર લખી વાળ્યું. આ વખતથી તેને ને મારે કાંઈ સંબંધ હતો તે તુટી ગયો. અદ્યાપિ પણ તે માણસ ઘણી રીતે મારી અદેખાઈ અને નિંદા કરતો ચાલે છે એમ મેં સાંભળ્યું છે.

વળી એક સ્નેહીને મુકવાની ફરજ પડી તે મગનલાલ... જે મેડીકલ કોલેજમાં ભણતા હતા અને જે હાલમાં L.M.S.માં પસાર થઈ દાક્તરની દુકાન માંડી રહ્યા હતા. આ માણસની સ્ત્રી સારા સ્વભાવની હતી ને તેને મનમાનતી હતી છતાં તે અનુમાનમાં પણ ન ઉતરે એવો વ્યભિચારી હતો - એટલામાં જ ખ્યાલ કરવો બહુ થશે કે ગમે તે જાતિની, ગમે તે સંબંધની, ગમે તે વયની, પણ સ્ત્રી હોય તો તેની સાથે વ્યવહાર પાડવા ચુકે નહિ તેવો આ માણસ હતો. તેની સ્ત્રી ભલી હતી, પણ ગર્વિષ્ઠ ઘણી હતી. તેને ને મારે પણ સારો સ્નેહ હતો. પણ તેનો ધણી જેમ જેમ દાક્તર થતો ગયો તેમ તેમ તેને વધારે અભિમાન આવતું ગયું તેથી મેં ધીમે ધીમે તેની પાસે જવાનું ત્યજ્યું. મગનલાલ પોતે છીનાળવો છતાં, ઘણો ઢોંગી હતો ને દુનીયાંને છેતરવા માટે થાય તેટલા પ્રયત્ન કરી ફત્તેહ મેળવતો. મને તે વારંવાર મારી છીનાળાની વાતો પુછતો, પણ મારી પાસે તે બાબતનો ભંડોળ જ ન મળે અર્થાત્ મુંબઈમાં ચાર વર્ષ આ વખતે રહ્યો તેમાં બે કે ત્રણ વાર અને તે પણ એક જ સ્ત્રી સાથે વ્યભિચાર કરેલો એટલે હું તેને શું કહું? મારો...ની વહુ સાથેનો સંબંધ તે મગનલાલની ખરી ઈર્ષ્યાનું પાત્ર થઈ પડ્યો. ને તેણે મારી પાસે પણ ધીમે ધીમે ઢોંગ આદરવા માંડ્યો. તેની દુકાનમાં પણ તેની વિષયવાસના પુરી પાડનારા માણસો જમા રહેતા તે તથા પોતે મારી ટીકા કર્યાં કરતા. આ સર્વના પરિણામ તરીકે મારી ને તેની મૈત્રી ઠંડી પડી ગઈ.

મનઃસુખરામ સૂર્યરામ, રણછોડભાઈ ઉદયરામ વગેરેને મારા મિત્ર મારાથી કહેવાય નહિ, પણ તે મારા મુરબી હતા. એમના સિવાય મારા મિત્રમંડળના ને મુરબી વગેરેમાં પણ ઘણા ઘણાના સંબંધ થયા હશે ને છુટ્યા હશે પણ તેમાંનો કોઈ અત્રે પાકી નોંધમાં રાખવા લાયક નથી. મન:સુખરામભાઈનો મારા પર ઘણો સ્નેહ હતો ને તેઓ મારી વિદ્વત્તાથી પ્રસન્ન હતા. તેમણે મારા શ્રેયમાં વારંવાર લક્ષ આપ્યું છે. મારી સંભાળ