પણ વારંવાર રાખતા. મને એક પ્રસંગે જુનાગઢ દરબારની અરજી લખવા અપાવી હતી. ને રૂ.૨૦૦) અપાવ્યા હતા. એમના પ્રસંગે મને જુનાગઢના દીવાન બાપાલાલનું, અમારા ગામના દેસાઈના વડા પુત્ર હરિદાસ વિહારીદાસનું, દીવાન બહાદુર મણિભાઈ જસભાઈનું, રાવબહાદુર મોતીલાલ લાલભાઈનું વગેરે ઘણા સંભાવિત ગૃહસ્થોનાં ઓળખાણ પીછાન થયાં હતાં. મનઃસુખરામભાઈને હું વારંવાર મળવા જતો પણ તેમની વાતચીત અનુત્સાહક જણાતી તેથી હું ઘણીવાર જતો નહિ અને વળી જેમ જેમ મુંબઈમાં મારો પગ જામતો ગયો, કામકાજ લખવું વાંચવું તથા મિત્રમંડળ વધતાં ગયાં તેમ તેમ મને અવકાશ પણ થોડો રહેવા લાગ્યો. છતાં હું સાત આઠ દિવસે જવા ચુકતો નહિ. પણ નાના મોહોટા વ્યાવહારિક સંબંધોમાં મનઃસુખરામભાઈ તરફથી મારી જરા પણ ગણના થવા માંડી નહિ એટલે હું ઘણો થોડો જતો આવતો. આવા વખતમાં મેં મુંબઈ મુક્યું હતું. કોઈએ મને એમ કહ્યું હતું કે ગોકળદાસ તેજપાળ ખાતામાં થતાં તેવાં બીજાં કામોમાં તમે પ્રખ્યાતિ પામવા લાગ્યા છો તે મનઃસુખરામભાઈ વગેરેને પસંદ નથી પણ આ વાત મેં જરા પણ માની ન હતી અને હાલ પણ માનતો નથી.
મિત્રોની વ્યવસ્થા થઈ રહી. હવે શત્રુની પણ કાંઈક જણાવવી જોઈએ. નડીઆદમાં સગાં, નાતવાળા વગેરે કેમ ને કેવા શત્રુ હોય તે મેં લખેલું છે. વળી મારી સ્ત્રીનાં તોફાન પરત્વે તેને ને મારે અણબનત ચાલતી તેમાં મારાં માતુશ્રીને વગોવી અમારા દુશ્મનો લાભ લેતા. મુંબઈ રહે રહે મને એવો વિચાર થયેલો કે આપણી નાતના લોક સુધરે તો ઠીક. મારે નોકરી ન હતી તેવામાં નાનાં નાનાં બાળકને ઈનામ વગેરે અપાવી ઉત્તેજન આપવા નાત તરફનું ફંડ કરાવવા મેં મેહેનત કરી હતી પણ ફલ કાંઈ થયું ન હતું. તેની તે ધુન મનમાં રાખી મેં નાતીલાઓને ઉપદેશ મળે તેવા ચાબકા લખવાનો નિશ્ચય કરી "નાગરબંધુ" એ નામનો પ્રથમ અંક છપાવી મફત વેંહેચ્યો. મારૂં નામ છુપાવવા મેં ઘણી મહેનત કરી હતી પણ તે બહાર પડી ગયું અને બધી નાતવાળા મારા દુમન જેવા થઈ પડ્યા. મેં પણ એ કામ આગળ ચલાવ્યું નહિ અને નાતને નામે કંટાળી તેને સુધારવાની વાત તો મેં તે પછી તદ્દન માંડી વાળી. આમ દુશ્મનાવટ તો થતી હતી તેમાં વળી મારા સહાધ્યાયીઓ મારી ખ્યાતિ વગેરેથી પ્રસન્ન ન હતા, તેમ તેમના હાથમાં મારી વિષયવાસનાની નાની મોહોટી વાત હાથ આવતી તે લઈ તેઓ મને ગમે તેમ વગોવવામાં ખામી ન રાખતા. આમ છતાં અમારૂં ગાડું ધીમે ધીમે