પૃષ્ઠ:Atmavruttanta.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮
મ.ન.દ્વિ.નું આત્મવૃતાન્ત
 

કહેતા કે તારી તર્કશક્તિ અને લખાવટ તને કોઈ સારા વકીલ કે જડજને માટે લાયક કરે તેવી છે તો તું કાયદા કેમ વાંચતો નથી? આ બાબતની તકરાર થતાં મેં તેને મારાં ઉપર કહેલાં કારણ અને સિદ્ધાન્ત જણાવ્યાં હતાં, તથા વિશેષમાં કહ્યું હતું કે કાયદો કેમ હોવો જોઈએ વગેરે જનસ્વભાવના નિયમ પરત્વેનું જ્ઞાન તો પ્રાપ્ત કરવા લાયક છે, પણ અમુક રાજ્યકર્તાના તરંગો પ્રમાણે ગોઠવેલા, તથા તે પણ દર અઠવાડીએ બદલાતા નિયમો ગોખી રાખવાથી માણસને તેના જીવિતનો કયો હેતુ સંપાદન થવાનો છે? કેવળ દ્રવ્યનો જે પૂજક હોય તેને તો એ સારો ધંધો છે, પણ દ્રવ્ય સંપાદન કરવું ને એ જ માણસનો મુખ્ય ઉદ્દેશ તથા વળી વકીલાત જેવા ધંધામાં મળતર નિશ્ચિત ન હોવાથી મનમાં જ્યારે લાગ આવે ત્યારે દ્રવ્ય ઉપાર્જન કરવાની ઉત્કંઠા તીવ્ર રહે છે ને તેથી કબજામાં રાખવા લાયક જે લોકવૃત્તિ તે બેહેકી જઈ માણસને પરિણામે સ્વાર્થી બનાવી દે છે. આ મારી દલીલો તેમને પસંદ પડી ને તેમણે કહ્યું કે ભલે તારા મનમાં એમ જ હોય તો તારાથી એ વાત નહિ બને. મને પણ અનુભવ છે કે આ ધંધામાં પડ્યા પછી મારે મારી હજારો ધારણાઓ – લોકહિતની – માંડી વાળવી પડી છે. આ પ્રમાણે મારૂં મન આનંદ માનતું પણ વળી વિચાર આવતો કે આ નોકરીમાં પગાર વધવાનો નથી, બદલી પણ થાય તો થાય ને તે થાય તો પણ પગાર વધવાનો સંભવ થોડો જ છે. મને ઉત્તર વિભાગના ઇન્સ્પેક્ટરે જગો આપવા લખ્યું પણ તે સરખા પગારની ને આસીસ્ટંટ ડેપ્યુટીની હતી એ અનુભવ પણ તાજો હતો. હવે વધારે દ્રવ્યની તો જરૂર ખુલી જ છે. મુંબઈની કમાણી તો મુંબઈ જ ખાય છે, ત્યારે શું કરવું? કાયદાના અભ્યાસની વાત અભ્યાસે છે પણ ટર્મ તો ભરવાં એમ સમજી વળી ૧ વર્ષ ભર્યું, અને બાકી એક રહ્યું હતું તે ભરવા માંડ્યું હતું અને કાયદા વાંચવા માંડ્યા હતા પણ મનમાં વારંવાર એમ આવતું કે અરે! ઈશ્વર! આ સંકટમાંથી કોઈ નહિ છોડવે? એવામાં છુટકારો આવ્યો !

મારી ઓફીસના કાર્ય ઉપરાંત આટલો વાંચવાનો, વિચારવાનો, લખવાનો, લોકોમાં મળવાનો ને મિત્રમંડળમાં ગંમત તથા ધાર્મિક નિત્યકર્મ કરવાનો મારો ઇતિહાસ સાંભળી વાંચનારને એમ લાગશે કે મારી શરીરસંપત્તિ તો ખરેખરી ર્દઢ દોવી જોઈએ. પણ ખરી વાત એથી ઉલટી જ હતી. સન ૧૮૮૨ના આરંભથી મારે શરીરે ગાંઠા થવા માંડ્યા ને તે પગ પર ઘણા હતા. તેમાંના પગ ઉપર ત્રણ અને ડાબા હાથની વચલી આંગળીએ એક