મારા ભાઈને જનોઈ દીધું તે પ્રસંગે હું નડીયાદ ગયો ત્યારે મહા વિપરીત વાત માલુમ પડી. મારી સ્ત્રી તેનાં માબાપને ત્યાં નાસી ગઈ ગઈ હતી. ને ત્યાં ત્રણેક દિવસ રહી મા સાથે લઢીને અફીણ પહેર્યું છે એમ તેની માને એક દિવસ કહેવા લાગી. તેની મા તેને મારે ઘેર મુકવા આવીને કહી ગઈ કે અફીણ ખાધું કર્યું નથી પણ એવું કહે છે તેથી આ તમને સોંપી. મારાં માબાપે તેને રાખી પણ રાતમાં તેણે અફીણ ખાધું હોય એવો ઢોંગ માંડ્યો. આ ઉપરથી દાક્તર વગેરેને બોલાવાતાં નિર્ણય થયો કે અફીણનો તો સ્પર્શ પણ થયો નથી. કેવળ ઢોંગ છે. આ વાત મેં નડીયાદ આવી જાણી ત્યારે તેવા આચારના પરિણામ તરફ વિચાર કરતાં મને બહુ ક્રોધ આવ્યો અને મેં તેને કાઢી મુકવા આગ્રહ માંડ્યો. પણ મારા ભાઈના જનોઈનું કામ માથા પર હોવાથી સર્વેએ જોરજુલમથી તેને રખાવી. મારા ભાઈને જનોઈ દેવાયું, તેમાં મારા ઘણા મિત્રો વગેરે આવ્યા હતા. તે સર્વથી પરવારી હું તો મુંબઈ ગયો પણ બાઈને નડીયાદમાં જ નાંખતો ગયો. છતાં તેમનામાં કાંઈ સુધારો ન થતાં જે હતાં તે અપલક્ષણો વધતાં ગયાં અને કહેવું જોઈએ કે મારા ભાઈના જનોઈ માટે નડીયાદ આવતાં પહેલાં આશરે એક માસ આગળ મેં મારા પિતાને લખ્યું હતું કે તમે મારી સ્ત્રીને અહીં મોકલો – એવા ઈરાદાથી કે જોઈએ એકલી રહેવામાં તે કેવા ગુણ બતાવે છે. પણ નડીયાદમાં તો તેમણે અફીણ વગેરે તોફાન માંડેલું એટલે કોને મોકલે? મને ગમે તેવો જવાબ લખી વાળી ચલાવ્યું. એ સ્ત્રી ઘણી જ નઠારી હતી એનો નિર્ણય એકવાર – આ બનાવ બનતાં પહેલાં વર્ષેક આગળ તેણે મારા સાઠ વર્ષના વૃદ્ધ પિતા પર ગમે તેવો આરોપ ચડાવવા પ્રયત્ન કર્યો હતો!! [ત્યારથી થઈ ચૂક્યો હતો] અરે કેવી દુષ્ટ!!
મારી માતુશ્રીનો આ સંબંધમાં વાંક નીકળે છે, તેનું કારણ એ સ્ત્રીએ ચલાવેલી જુઠી વાતો છે. તેનો તો પ્રયાસ નિરંતર મારી સાથે મારી સ્ત્રી રહે તેવી યુક્તિ તરફ જ હતો; આમ છતાં મારી માનો સ્વભાવ ઘણો ક્રોધી હતો, તે મારે કબુલ કર્યા વિના ચાલતું નથી; જેમ જેમ મારા તરફથી કમાઈ થઈ ને સુખશાન્તિ મળતી ગઈ તેમ તેમ તેના મનમાં જરા જરા આરામની ઇચ્છા વધતી ગઈ ને સર્વ પર હુકમ ચલાવવાની ટેવ પડતી ગઈ. આવા સ્વભાવના પરિણામ તરીકે એક વાર એવું બન્યું કે મારા નાના ભાઈને હું ભણાવતો હતો તેવામાં તેને કાંઈ ન આવડવાથી મારે મારવો પડ્યો, તો મારા પર ક્રોધ કરી એવું કુવચન કહ્યું કે તારે તો એ મરી જાય એવી મરજી છે.