પૃષ્ઠ:Atmavruttanta.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઉત્કર્ષ
૬૧
 

પણ કાંઈ રસ્તામાં પડ્યો નથી. આ વાત સાંભળી મને ઘણું માઠું લાગ્યું. મારા ભાઈ પર મારો અનન્ય પ્રેમ હતો, ને તેને જ મેં મારી માલમતા જે કાંઈ થાય તેની મારા મનથી માલીક કલ્પ્યો હતો. વળી મારા પાસે એવી કાંઈ દોલત પણ ન હતી (બલકે કાંઈ દેવું હતું) કે જેમાં કોઈ ભાગ પડાવે તો મને હાનિ થવાનો સંભવ હોય. મેં મારી આજ પર્યંતની તમામ કમાઈ પણ પાઈએ પાઈ મારા પિતાને સ્વાધીન કરેલી હતી. આમ છતાં પણ જ્યારે આવું કુવચન મેં સાંભળ્યું ત્યારે મારા મનને બહુ ઉદ્વેગ થયો ને એકાંતમાં મારી આંખમાંથી અશ્રુ જવા લાગ્યાં. મને એમ લાગવા માંડ્યું કે અહો! સંસાર માત્ર મિથ્યા છે, માબાપ પણ સ્વાર્થ સુધી જ છે! મારે સંસારમાં પડી રહેવાનું કાંઈ પણ કારણ મેં મારા મનમાં માનેલું તે એ જ હતું કે વૃદ્ધ માબાપની હયાતીમાં મારે કાંઈ ન કરવું. બાકી મેં સંન્યાસ લેવાનો ઘણા કાળથી નિર્ણય કર્યો હતો. આવા ઘણા તર્ક વળી મનમાં આવ્યા, પણ મારી માની મૂર્ખાઈ તથા મારા પિતાની ઘણી જ લોભી પ્રકૃતિ છતાં પણ કાંઈક નરમાશ ને સત્યપણું વિચારી હું ગમ ખાઈ ગયો.

હવે મારે સ્ત્રીમંડલમાંની મારી મૈત્રીઓનું વર્ણન કરવાનું જ બાકી છે. પ્રથમથી કહેવું જોઈએ કે મુંબઈમાં રહ્યા સંબંધ મેં કોઈ વેશ્યાની સાથે વ્યવહાર કર્યો નથી. એમ કરવાનું તો મેં ઘણા કાળથી પાણી જ મુક્યું હતું... સાથે જે ઓળખાણ થયું તે તેની સ્ત્રીને ઉદ્દેશીને જ હતું એ મેં કહ્યું છે. તેની સ્ત્રી રૂપવતી, જવાન તથા ઘણું કરી પ્રજા પેદા ન કરે તેવી હતી. તે વ્યભિચારિણી હશે એમ તો તેની સર્વ સાથે છુટથી મળી જવાની ચંચળતા તથા તેની મુખમુદ્રા ને ચાળા વગેરે પરથી મેં સહજ નિર્ણય કર્યો હતો. મારે ને તેને ધીમે ધીમે સ્નેહ બંધાયો. 'અચાનક આવડી આ શી લાગી કાળજડામાં લાહ્ય' એ કવિતા તેના મોહમાં જ મેં બનાવેલી. આ સ્ત્રી સાથે એવો સ્નેહ થયો કે આખા દિવસમાં બે ત્રણ કલાક અમે એને જોઈએ નહિ તો નિરાંત ન વળે. આવો સંબંધ ઘણો વખત આશરે દોઢેક વર્ષ રહ્યો. વચમાં વચમાં મને મારા જ્ઞાનના ઉભરા પણ આવી જતા, અને તે સ્ત્રી તરફનું કાંઈક નરમ મન દેખાય કે મારૂં મન જ્ઞાનમાં ડુબવા માંડતું ને આવી વાતોનો પાકો તિરસ્કાર કરતું. આવા જ કોઈ પ્રસંગે "ભજન કર અકલ અચલ ગુરૂ ઘરકા" એ કવિતા રચેલી છે. આવો સંબંધ ચાલતો તે લોકોમાં ખુબ ચવાયો, પણ તેમાં અમે અદ્યાપિ માનસિક સિવાય બીજું કાંઈ પાપ કર્યું ન હતું. મુંબઈ છોડવાના આખરના ત્રણ માસમાં આ સંબંધ ઘણો આનંદજનક થઈ રહ્યો – મને એ