લખાણ પર જાઓ

પૃષ્ઠ:Atmavruttanta.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઉત્કર્ષ
૬૫
 

સ્થિતિ સુધારવા પ્રયત્નો કરવો એ નિર્ણય થયો. આવા હેતુથી કરેલાં કેટલાંક કામનું વર્ણન આગળ આવી ગયું છે. પરમ કરૂણામય સર્વનિયંતા ઈશ્વર વિના કોણ મારા હૃદયને આવું જ્ઞાન અને આવી પ્રેરણાઓ કરી સંસારમાં નિભાવે ? લોકમાત્ર દુશમન – અદેખાઈથી, દ્વેષથી – થયા હતા; બાકી મેં કોઈનું મનસા વાચા કર્મણા નુકસાન કર્યું નથી – ફક્ત જનસ્વભાવને અનુસરી કોઈનો દ્વેષ જાણ્યા પછી કંટાળીને કાંઈ બોલાયું હશે એ જ, ને તે પણ વાજબી જ ને ખરૂં. આમ થવાથી લોક મારા પર ચોખો ગેરઇનસાફ ગુજારે છે એમ જાણી હું મારા જ્ઞાનબળથી તેમના સંબંધે કેવળ અસક્ત થઈ ગયો હતો પણ મને જે સત્ય જણાય તે કરવા ચુકતો નહિ. ને મારા દોષ પણ મનમાં સમજી તેમને દબાવવાના પ્રયત્નમાં ખામી રાખતો નહિ – છતાં प्रकृतिं यान्ति भूतानि निग्रह: किं करिष्यति. ગમે તેમ હો પણ પ્રય વાંચનાર! મારૂં જ્ઞાન એ જ મારો જીવ, ને એ વડે હું આ લખવા સુધી જીવતો રહ્યો છું એ મારૂં કહેવું હાલ તારા માનવામાં નહિ આવ્યું હોય તો ધીમે ધીમે અક્ષરે અક્ષર મનાશે.

આ પ્રમાણે મુંબઈમાં રહી પરમજ્ઞાન સુધીની વાત સમજી, ભોગ મોજ ભોગવી, ઘણોક અનુભવ લઈ, પ્રતિષ્ઠામાં સારો વધારો કરી ભાવનગર જવાનું કેમ બની આવ્યું તે કહું છું. ભાવનગરના દીવાન શામળદાસ પરમાનંદદાસ મરી જવાથી ત્યાં તેમનું નામ રાખવા કોલેજ નીકળી. તેમાં સંસ્કૃત ભણાવવાની કે History Philosophy ભણાવવાની જગો લેવા માટે મેં લખ્યું. આ બાબતમાં મારા મિત્રો ગોપાળદાસ વિહારીદાસ અને અનંતરાય નાથજી ઘણો શ્રમ કરતા હતા; ને પરિણામે મને સંસ્કૃત પ્રોફેસરની જગો મળી તે ઉભયની મદદથી મળી એમ હું માનું છું. પણ એ જગોનો નિર્ણય થતાં પહેલાં વડોદરાના ડાયરેક્ટર ઓફ વર્નાક્યુલર ઇન્સ્ટ્રક્શનની જગો ખાલી થઈ તે બાબત મેં ગાયકવાડને લખ્યું; તેમણે મને મળવા બોલાવ્યો; હું તેમને મળ્યો ને તેથી મારા મન પર તેમના વિષે, તેમ તેમના મન પર મારા વિષે સારી અસર થઈ. તેમણે મને પત્રથી પુછાવ્યું કે પગાર શો લેશો, કેળવણી સિવાય બીજા ખાતામાં પણ જશો કે નહિ, વગેરે વગેરે. આના જવાબમાં નોકરી તો ગમે ત્યાં કરીશ, પણ પગાર ભાવનગર સાથે જે બંદોબસ્ત ચાલે છે તે ધ્યાનમાં રાખી આપો તો આવીશ એમ લખ્યું. આ પગાર તેમને ભારે લાગવાથી મને જવાબ મળ્યો કે હાલ તમે ભાવનગર જાઓ; જો આગળ જરૂર હશે તો બોલાવીશું. આ ઉપરથી ભાવનગર સાથે મારો ઠરાવ થયો. દર માસે રૂ.

મ.ન.દ્વિ. - ૫