૨૦૦)નો પગાર ઠર્યો, તે દર વર્ષે રૂ. ૨૫ પ્રમાણે ૪૦૦) થતા સુધી વધે એવો ઠરાવ થયો. અંગ્રેજ સરકારની મારફત તેમણે મારી નોકરી લીધી એટલે પેનશીનનો હક સરકારમાં રહ્યો તે સાચવવા દર માસે કાંઈ ભરવાનું તે મારે સીર રહ્યું. મારા સિવાયના એક પ્રોફેસર સાથે વધારે સારી ગોઠવણ દરબારવાળાએ કરી છે એમ મને ઘણું મોડું માલુમ પડ્યું. પણ અત્રે એટલું જ લખવું છે કે દરબારવાળાઓ આ નિમણુકોના બંદોબસ્તની બાબતમાં ઘણી નાલાયક લુચ્ચાઈથી રમેલા છે.
હું ૧૮૮૫ના જાનેવારીની ૨૦મી તારીખ લગભગ મુંબઈથી નીકળ્યો એમ મને યાદ છે. મારા હાથ નીચેના કેળવણી ખાતાના માસ્તરોએ ફંડ કરી મારો ઘણો સત્કાર કર્યો, માનપત્ર તો સરકારી નિયમ પ્રમાણે અપાય નહિ, પણ એક મોટી સભા ભરી– ગામના ઘણા વિદ્વાન તથા પ્રતિષ્ઠિત ગૃહસ્થોને બોલાવી તેમણે મેવો ફલફલાદિ દુધ ચા વગેરેનું ખાણું આપ્યું તથા બીજો આનંદ કર્યો, અને પોતાને માટે મારા Photograph દરેકને એકેક નકલ આવે એટલા પડાવી લીધા. મને સ્ટેશન પર વળાવવા તથા ફુલનો વરસાદ વરસાવવા પણ મોહોટું ટોળું આવ્યું હતું. આ સર્વ વાતનું વૃત્તાંત ફેબ્રુઆરી કે જાનેવારીના મુંબઈ ગેઝેટમાં છે. હું મુંબઈથી નીકળ્યો તે વેળે મારી વૃત્તિ કેવળ શૂન્ય થઈ ગઈ હતી. અરે, આ મુંબઈ મારો જીવ, મારો પ્રાણ, મારા જ્ઞાનનું, મિત્રોનું, કીર્તિનું, મારી અખંડ પ્રિયાનું સ્થાન તે જ તજવું! એ વૃત્તિમાં હું કોઈ સાથે બોલ્યો નથી, ચાલ્યો નથી, કેવળ મુગે મોઢે ગાડીમાં ચઢી ચાલતો થયો. મારાં માતપિતા સાથે હતાં. મારા પિતાના હાથમાં ખાંડ ભરેલી બરણી હતી, તે જેવા ગાડીમાં બેસવા અમે ઊઠ્યા તેવી જ ફડાક દઈને પડીને ફૂટી ગઈ તથા ખાંડ વેરાઈ ગઈ. આ શકુન યાદ રાખજે વાંચનાર, આગળ કાંઈક સમજાશે. મને તો તેની અસર તે વખતથી મનમાં આવી હતી, પણ મારા સ્વભાવ મુજબ यदभावि વગેરે યાદ લાવી વાત વિસરી ગયો. આ સ્થળે મારા વૃત્તાન્તનું ત્રીજું પ્રકરણ પુરૂં થયું ગણાય.