પૃષ્ઠ:Atmavruttanta.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫. અધ્યાપક

મેં તા. ૨૨ જાનેવારી ૧૮૮૫ ને રોજ ભાવનગર કોલેજમાં ચાર્જ લીધો. અત્રેની વાત હું ૧૮૮૬ના જાનેવારી સુધીની જ લખી જઈશ. ને તે બે વર્ષમાંની બિનાઓના મુંબઈની વાત લખતાં જેવા ભાગ કર્યા છે તેવા કરી દરેક બાબતની આખી વાત આપી જઈશ.

કોલેજમાં પ્રથમ વર્ષનો ફક્ત પ્રીવીઅસ ક્લાસ જ હતો. તેનું કામ એક કલાક દરરોજ કરવાનું આવતું તે ઠીક ચાલતું; પણ મારૂં મન મુંબઈ છોડવાથી ઘણું ઉદ્વિગ્ન હતું, અને મારા પ્રતિપક્ષીઓની એવી ઘણી ગપો ચાલેલી કે મને પ્રોફેસર બનાવ્યો છે પણ મને કાંઈ આવડતું નથી, ને તે જ વિચાર મારા વિદ્યાર્થીઓના મનમાં પણ કાંઈક ઠસેલો એટલે મારે ને તેમને પુરૂં બનતું નહિ. પણ છએક માસમાં ઘણી સારી વ્યવસ્થા થઈ, તેમની મારી વચ્ચે સ્નેહ બંધાયો અને તેમને મારા કામથી પરિપૂર્ણ સંતોષ અને મને મારા કામમાં આનંદ થઈ આવ્યો. એ વર્ષ એમ વીત્યું. તેમાં આખર પરીક્ષામાં પણ મારા વિદ્યાર્થીઓ ૧૮માંથી ૧૨ પાસ થયા તેથી મને સંતોષ થયો. બીજે વર્ષે પ્રથમ બી.એ.નો વર્ગ પણ થયો. એમાં જે કામ કરવાનું હતું તે ઘણા ઉંચા પ્રકારનું હોવાથી મારા મનને અનુકૂલ હતું, ને તે વર્ગ ભણાવતાં આખી કોલેજના વિદ્યાર્થીઓને ને મારે હતો તે સ્નેહ દૃઢ થયો એટલું જ નહિ પણ સહુની મારા પર મમતા થઈ તથા મારી કીર્તિ સારી વધી. એ વર્ષે આખર પરીક્ષામાં પ્રીવીઅસમાં ૨૩ તથા ફર્સ્ટ બી.એ.માં ૫ તેમાંથી કોઈ સંસ્કૃતમાં નપાસ ન થયું. તેથી મારા સંતોષમાં ને મારી આબરૂમાં તથા ભણાવવાના સામર્થ્યની કીર્તિમાં વધારો થયો અને પરિણામે એમ કહેવાવા લાગ્યું કે એક ગણિતના પ્રોફેસર તથા સંસ્કૃતના પ્રોફેસર એ બે જ આખી કોલેજનું નાક છે.

એ પ્રમાણે મારૂં ઉદર નિમિત્ત જે કર્તવ્ય હતું તેમાં મને યશ મળેલો હતો. હું પણ તે કર્મ કેવલ ઉદર નિમિત્તનું જ માની ચલાવતો નહિ, પણ મને તેમાં નાની વયના વિદ્યાર્થીઓ પર સારી અસર કરવાનો પ્રસંગ મળેલો તેનો હું ઘણા ઉત્સાહથી ઉપયોગ કરતો. આ વાત પરથી હવે આપણે મારા