ખાનગી અભ્યાસ પર આવીએ. ખાનગીમાં મુખ્ય વાત તો કોલેજમાં આપવામાં ભાષણ માટે તૈયાર થવાના અભ્યાસની રહેતી. તે સિવાયના વખતમાં મેં શાસ્ત્રી ભાનુશંકરને અભ્યાસ વધારવા માટે રાખ્યા હતા તેમની પાસે સિદ્ધાન્તકૌમુદી, પરિભાષેન્દુશેખર, મહાભાષ્ય વગેરેનું અવલોકન કરતો. ક્વચિત્ વેદાન્તના પણ ગ્રંથ વાંચતોઃ – નૈષ્કર્મ્યસિદ્ધિ, અદ્વૈતસિદ્ધિ વગેરે. મારૂં નિત્ય પ્રાતઃકર્મ (ધર્મ સંબંધી) તે તો ચાલુ જ હતું. મુંબઈથી આવતી વખતે મને ડા. પીટર્સને "તર્કકૌમુદી" નામનો ન્યાયગ્રંથ Bombay Skrt Series માટે તૈયાર કરવા આપેલો હતો તેનો પ્રાયશઃ વિચાર ચાલ્યાં જતો તે મેં લખીને તૈયાર કરી તેને મોકલાવ્યો. કાંઈ કાલે તેના તરફથી ઘણો દલગીરીનો તથા મારી પ્રણિપત કરતો પત્ર આવ્યો કે એ ગ્રંથ ખોવાયો છે, ને તે માટે હું જે કહું તે કરવાને તે તૈયાર છે. મેં તેને કહ્યું કે મારે કાંઈ કરવું કે જોયતું નથી. તમે તમારી ફરજ માની જે કૃપા છે તે રાખશો; બાકી ગ્રંથની તો બીજી નકલ છે તે પરથી હું ફરી લખી કહાડીશ. આમ થવાથી મને પણ ઠીક લાભ થયો. કેમ કે એકવાર લખેલું ફરી લખતાં ઘણા સુધારાવધારા થયા. આ ગ્રંથ પ્રસિદ્ધ તો છેક ૧૮૮૬ની આખરમાં થયો. મેં તે સંભાવિત વિદ્વાનોને યુરોપ અમેરિકા વગેરેમાં પણ મોકલાવ્યો હતો. તેમાં Viena Oriental Journalના પ્રથમ નંબરમાં તેનાં ઘણાં જ વખાણ પ્રખ્યાત પ્રોફેસર જેકોબીએ લખ્યાં છે તે તથા ડૉ. કીલ્હોર્ને ઈન્ડીઅન એન્ટીક્વરીમાં જે વખાણ કર્યાં છે તે તેમજ બીજા વિદ્વાનોના ખાનગી પત્રો વગેરે જોઈ મને મારા શ્રમની કૃતાર્થતા સમજાવાથી ઘણો સંતોષ થઈ નવો ઉત્સાહ આવ્યો.
જેવું આ કામ ચાલતું તેવું જ બીજું પણ ચાલતું. Logic of Commonsense નામનો નિબંધ લખીને વાંચ્યાની વાત મેં આગળ લખી છે; તેમ वाक्यसुधाનું ભાષાન્તર Theosophistમાં છપાવ્યાનું પણ મેં લખ્યું છે; આ ઉપરાંત अपरोक्षानुभूतिનું ભાષાન્તર મારી પાસે થયેલું હતું તથા આ વખતે વળી वाक्यसुधाનું સટીક પુસ્તક પણ એક મળી આવ્યું. આ સર્વ ઉપરાંત મારા મિત્ર તુકારામ તાત્યાએ ભગવદગીતા છપાવી તેની પ્રસ્તાવના મેં લખી હતી તે સર્વને ઘણી પસંદ પડી, તે પણ મારી પાસે હતી. સર્વે ગ્રંથો ભેગા કરીને એક "રાજયોગ" એ નામનો અંગરેજી ગ્રંથ ૧૮૮૫ની સાલમાં જ છપાવ્યો ને સંભાવિત વિદ્વાનોને હિન્દુસ્તાન તથા યુરપ અમેરિકામાં મોકલ્યો. ગુજરાતનાં છાપખાનાંવાળાને મોકલાવેલો તેમાં કોઈ તે પર "રીવ્યુ" કરી ન શક્યું; પણ "ગુજરાતી"માં ને તે ૧૨ મે ૧૮૮૭માં ઘણો સારો અભિપ્રાય