પૃષ્ઠ:Atmavruttanta.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અધ્યાપક ૭૧

વેદાન્તાધ્યયનમાં કાલ જતો. મારું ઘર ઘણું કરી ધર્મવિષયક વાદવિવાદ ને વિચારનું સ્થાન થઈ પડયું હતું અને ગામમાંથી તેવા જીજ્ઞાસુ લોક વારંવાર ત્યાં મળતા. “એડવોકેટ ઓફ ઇન્ડિયા” નામનું અંગ્રેજી દૈનિક પત્ર ચાલુ થયા પછી ૧૮૮૬ના માર્ચ એપ્રિલમાં મેં ત્રણ આર્ટિકલ તેમાં લખેલા છે. બે દેશસુધારણાના નિયમ સંબંધી અને એક રૂક્મિબાઈના પ્રખ્યાત કેસ સંબંધી. હું ઘણું કરીને સહી “Univesality” આવી કરતો. એવામાં વળી Theosophistમાં પણ વિચારસાગર વિષે એક નાનો આર્ટિકલ લખેલો છે. વળી Spectatorમાં પણ એકાદ આર્ટિકલ લખવાની જરૂર પડી હતી. રા. સા. મહીપતરામ રૂપરામ જેના અભિપ્રાય પ્રમાણે કેળવણી ખાતામાં પુસ્તકો લેવાય છે તેના વિચારોથી હું ઘણી રીતે વિરુદ્ધ હતો. તેથી ગ્રંથની ચુંટણી બાબતમાં તેની રીતભાત મને પુરી ઈનસાફ ભરેલી લાગતી નહિ. આખા ગુજરાતમાં વિદ્યાનો શોખ ઝાઝો મળે નહિ તેથી લખનારાઓની કદર થતી નહિ, પણ કેળવણી ખાતાવાળા જો તેવી કદર કરે તો લખનારનો શ્રમ સફલ થઈ, તેના ઉત્સાહમાં ઉમેરો થઈ લોકોમાં સદ્વિચાર અને સદ્વિદ્યાનો પ્રચાર થાય તેવો સંભવ હતો, પણ આમ થવા દેવા ન થવા દેવામાં આવા કામ પર નિમેલા માણસની વિદ્વત્તા, વિચાર અને ન્યાયબુદ્ધિ ઉપર ઘણો આધાર રહે છે. આમાંનું એકે આ મહીપતરામનામાં ન હતું એમ મને દઢ નિશ્ચય હોવાથી હું વારંવાર કેળવણી ખાતાની પુસ્તકો લેવા સંબંધી વ્યવસ્થા સામે બોલતો લખતો. "કરણઘેલો” એ ઉત્તમ પુસ્તક બાતલ કરી, મહીપતરામનો કેવલ નકામો "વનરાજ ચાવડો" દાખલ કર્યો હતો. એ 'વનરાજ' પર કોઈએ Spectatorમાં ટીકા કરી હતી; Spectatorવાળે કોઈ 'હિંદુ'ને મહીપતરામ તરફ બોલવા નોતર્યો હતો. મેં "હીંદુ" એવી સહી કરી તેમની વિરુદ્ધ તથા તેમના ગ્રંથ વિરદ્ધ જે જે કહેવું હોય તે લખેલું છે. સન ૧૮૮૬ની આખરમાં મી. મલબારીને ને મારે ખરી લડાઈ થઈ. આજ પર્યત તેને મારે કાંઈ ઓળખાણ હતું, પણ તેણે વિધવા વગેરે બાબતમાં સરકારને કાયદો કરાવવા વિનવવા માંડી ત્યારથી મારે ને તેને વિરોધ પેદા થયો. આ સંબંધે અક્ટોબર, નવમ્બરના “એડવોકેટ ઓફ ઈન્ડીયા" માં તથા તે જ અરસામાં “Spectator"માં ઘણી તકરારો થયેલી છે; ને એમાંનો “પુનર્વિવાહ” સંબંધીનો મારો છેલો પત્ર તા. ૨૦ ડીસંમ્બર ૧૮૮૬ના Indian Echo નામના કલકત્તાના પેપરમાં પણ ઉતારેલો છે. મલબારી તરફથી મને વિરુદ્ધ થયા બાબત કાંઈ ધમકી પણ બતાવવામાં આવી હતી. ભાવનગર દરબારનો માનીતો તથા ઘણો