૭૨ | મ. ન.દ્વિ.નું આત્મવૃત્તાન્ત |
વસીલાવાળો મુંબઈનો પારસી વકીલ એમ બોલેલો કે “મણિલાલ સમજતા નથી, મલબારી કોણ છે તે જાણતા નથી. જો સાહેબ લોકોને રાજી રાખવા હોય તો તે આમ ન રહે" વગેરે, એવું મને કહેવામાં આવ્યું હતું. મેં કહેનારને જવાબ આપ્યો હતો કે “સાહેબ લોકોને ખુશ કરવા કે ગમે તેને ખુશી કરવો એ મારું કામ નથી, પારસીઓનું હોય તો ભલે હોય. મારે તો જે સત્ય હોય તે બોલવું એ મારી ફરજ છે, પછી તેમાં કોણ ખુશી કે નાખુશી થાય છે તેની મને દરકાર નથી."
આવી રીતે મારે કાલ ચાલ્યો જતો. તેવામાં ૧૮૮૬ની પ્રીવીયસ, ફર્સ્ટ બી.એ. તથા બી.એ.ની પરીક્ષામાં હું Sanskrit વિષયમાં પરીક્ષક પણ નિમાયો હતો. ગુજરાતીઓમાંથી મેટ્રીક્યુલેશન સિવાયની બીજી કોઈ પરીક્ષામાં યુનિવર્સિટીએ આજ સુધી પરીક્ષક નિમેલો ન હતો, ને મેટ્રીક્યુલેશનમાં નિમે તે પણ 'ગુજરાતી’ વિષયમાં જ. મારી નિમણોક આવી રીતે ઉપરની પરીક્ષાઓમાં થઈ, ને તે પણ જે વિષયમાં દક્ષણીઓએ કોઈને ન જ પેસવા દેવાનો નિર્ણય કરેલો તેવા વિષય ઉપર, તેથી મને પરમ સંતોષ થયો તેમજ આખા ગુજરાતના વિદ્વાન્ વર્ગને પણ આનંદ થયો. આમાં ડા. પીટર્સનની મને મદદ મળેલી ને આમ થયેલું એવું મારું માનવું છે; બાકી મને વિનાવસીલાના ગુજરાતીને યુનિવર્સિટીમાં કોઈ પેસવા દેત એવું સંભવતું નથી. ૧૮૮૬ની સાલની આખર ભાવનગરમાં એક club સ્થાપ્યું હતું. તે એવા ઉદ્દેશથી કે તેમાં નાની લાઈબ્રેરી રહે ને ભાષણો, વાતચીત વગેરે થાય. આનો સ્થાપનાર હું ન હતો, પણ તેનો મેંબર હતો. યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષા દાખલ કરાવવા માટે આ club તરફથી મુંબઈ ઈલાકામાં લાગતીવળગતી મંડળી વગેરેને લખવામાં આવ્યું હતું. તેમાં મારો મુખ્ય હાથ હતો. મુંબઈની ગ્રેજ્યુએટસ એસોસીએશનનો પણ હું મેંબર હતો. ત્યાંથી પણ એ બાબત મને પૂછવામાં આવ્યું હતું ને મેં યથાશક્તિ સલાહ આપી હતી.
ભાવનગરમાં હું ગયો તે વખતથી એક નવી જ દુનીયાંમાં પેઠો હોઉં એવું મને લાગવા માંડયું. પ્રથમ ચારપાંચ માસ તો મેં મોહોટા માનસિક કષ્ટમાં ગાળ્યા. કોઈનું પણ ઓળખાણ નહિ, લોકોમાં નાગર જેનો ઘણો પરિચય થવાનો સંભવ, તે તો મદોન્મત્ત, બેપરવાવાળા અને છકેલા! કોને મળવું, ક્યાં જવું – એક અનંતરાય ને હું બાકી કોઈ ન મળે. મારા અનુભવથી મને જણાયું કે એ દેશમાં ને ઘણું કરી તમામ દેશી રાજ્યોમાં “પ્રેમ” એ શબ્દનો વ્યવહાર જ નથી. લોકો હૈયાના તદ્દન લુખા હોય છે, ને ગરજ પડે