પૃષ્ઠ:Atmavruttanta.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪
મ. ન. દ્ધિનું આત્મવૃત્તાન્ત
 

કારણ માટે મને મુકી નડીયાદ આવતો રહ્યો. આ પરથી તેને ને મારે મૈત્રીના સ્વરૂપ બાબત તકરાર પડી હતી ને પરિણામ એ આવ્યો કે તે વ્યવહારપક્ષે પોતાને જો જરા પણ આંચ ન આવે તેવું હોય તો, મારા તરફ કાંઈ ચુક કરતો નહિ. એ વખતની તથા તે પછીના ઘણા પ્રસંગોની વાતનો વિચાર કરતાં મારો એના વિષે નિશ્ચય થઈ ચુક્યો હતો કે એ સ્વાર્થી માણસ છે - તે એટલે સુધી કે પોતાનું નજીવામાં નજીવું પણ કામ ચુકીને મિત્રનું કામ સાચવવાનો નહિ. તથાપિ એટલું ખરું કે એ એવો સ્વાર્થી ન હતો કે સ્વાર્થ માટે કોઈનું ખરાબ કરે, અથવા પોતાનો નજીવો પણ સ્વાર્થ વચમાં ન આવતો હોય તો પારકાનું કામ કર્યા વિના રહે. ટુંકામાં sacrificeનો ગુણ એનામાં લેશ પણ ન જણાવાથી મારી ને તેની મૈત્રીની વાત તો માંડી વળાઈ ને સારા ઉત્તમ પ્રકારનો કરવા-કરાવવાનો (સ્વાર્થ આડે ન હોય ત્યાં સુધીનો) વ્યવહાર બંધાયો. મારે ને તેને એકવાર વાત થતાં આવી જાતની સ્વાર્થ સંબંધી વાત તેણે માન્ય પણ કરી હતી એ બતાવે છે કે મારી ગણના અવાસ્તવિક નથી. એ જ રીતે સાંકળચંદ મગનલાલ એનું પણ બન્યું. એકવાર મારા ખરા મંદવાડમાં મેં તેને ભાવનગર બોલાવ્યો તો ઉત્તર આપ્યો કે “હું મ્યુનીસીપાલેટીમાં હમણાં જ મેંબર થયો છું. માટે તેમાં એકાદ વાર બેસી પંદરેક દિવસે આવીશ.” તે માણસ પ્રેમ શોધતો હતો એટલે તેનામાં સ્વાત્માર્પણ(sacrifice)નો કાંઈક ગુણ હશે એમ હું માનતો, પણ તે છોકરવાદ તથા ફુલણીયો હોઈ નજીવી વાતો પછવાડે દોડવામાં માન માનનારો મૂર્ખ છે એવું ધારી તેની નાની મોહોટી ખામીઓ સહન કરતો. આ વેળે આવો જવાબ જોઈ મારા મનને માઠું લાગ્યું, પણ વળી તે વાત વિસરી ગયો. મારો ખરો અનુભવ લીધેલા મારા એક બાલસ્નેહીનો એક પ્રસંગે ઘણો તિરસ્કાર કર્યો તે તેને કોઈએ સંભારી આપી મારાથી જુદા થવા ઉપદેશ કર્યો, તેના જવાબમાં તેણે કહ્યું કે “મણિલાલનો સ્વભાવ એને ખરી વાત લાગે તે પર ચીડાઈ જવાનો ભલે હો, પણ એનું દીલ એવું ઉદાર છે કે એ વાત બીજે દિવસે એના મનમાં પણ રહેવાની નહિ – એટલા માટે જ એ માણસ પ્રીતિને પાત્ર છે.” આવા મારા સ્વભાવ પ્રમાણે હું મારા મિત્રોની વાત વારંવાર માફ કર્યા કરતો, પણ જ્યારે ઉપરાઉપરી તેમનું તેમ બન્યાં કરે ત્યારે કંટાળી જતો. એ વાત તો દૂર રહી પણ ૧૮૮૭ના આરંભમાં સર્વેએ મારી આશા મુકેલી એવા મંદવાડમાં હું નડીયાદ થઈ મુંબઈ જતો હતો ને સાથે માણસ ન હતું તે વખતે પણ આ વાણીયાથી મારી સાથે અવાયું નહિ. આ જોઈ