પૃષ્ઠ:Atmavruttanta.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અધ્યાપક
૭૫
 

મને ઘણો જ ખેદ થયો કે અરે! મારું કોઈ નથી; તો મારે શા માટે કોઈની પાછળ તણાવું ? આ ઉપરાંત વળી તે વાણીયાએ મારા બીજા સ્નેહીઓ જેની એને ગરજ હોય તેમનો પૂર્ણ પ્યાર પોતાના પર સ્થપાવવા ને મને દૂર કરવા જેવી નાની નાની યુક્તિ પ્રયુક્તિ કરવા માંડી, તથા તેના મનમાં એમ અભિમાન પણ જણાવા માંડ્યું કે બસ હવે હું મ્યુનીસીપલ કમીશનર તથા ગામમાં જાણીતો થયો એટલે મારે કોની દરકાર છે ? આ સર્વ કારણોને લીધે તેનો મને અભાવ થઈ ગયો, છતાં તેને સમજાવવાનો પ્રયત્ન મેં ઘણો કર્યો. પણ પરિણામે એને તો ઉલટા મારા દોષ જણાવા માંડ્યા ત્યારે અમારો સ્નેહબંધ શિથિલ થઈ ગયો અને વ્યાવહારિક ઓળખાણને રૂપે પરિણામે પામ્યો.

ચતુરભાઈ જે મારા ત્રણ ખરા મિત્રમાંના એક તેમના વિષે પણ કાંઈક આવું જ બન્યું. જેમ મોહનલાલની સ્વાર્થબુદ્ધિ, સાંકળચંદની મૂર્ખાઈ, લુચ્ચાઈ અને સ્વાર્થબુદ્ધિ જણાયાં તેમ ચતુરભાઈનામાં કેવળ અવ્યવસ્થા લબાડપણું અને સ્વાર્થ પ્રકટ થયાં. તેમણે નોકરી મુકી છાપખાનું કાઢ્યું હતું તેમાં મારૂં કામ ચાલતું તે સંબંધની મને આબરૂમાં પૈસામાં સર્વથા હાનિ કરે તેવી તેમની વર્તણુંકથી મને કંટાળો આવ્યો હતો. પૈસા લેવાદેવામાં એ એટલો લબાડ માણસ જણાયો કે અમારા આખા મિત્રમંડલમાં આજે પણ તેનો વિશ્વાસ કોઈને નથી. તેનામાં સ્વાર્થબુદ્ધિ વેપારને અંગે જણાવા લાગી. ૧૮૮૭ના મહાભારત મંદવાડમાં મને આંખો આગળ રીબાતો જોઈને તથા માણસ વિના એકલો મુંબઈ જતો જોઈને પણ તેનાથી મારી સાથે અવાયું નહિ. મારી ખબરઅંતર લેવા કાગળપત્ર લખે તેની તો વાત પણ ક્યાં ? આવાં કારણોથી તેનો મને ઘણો અણગમો થયો હતો. પણ વળી મારા સ્વભાવ પ્રમાણે તેને તેની ભુલ સમજાવી ને હું તેની સાથે તો મૂલ જેવો સંબંધ રાખતો રહ્યો. તેને મારા પર કાંઈક શ્રદ્ધા હોય એમ મને લાગતું, ને મેં આ સંબંધે તેનો ગમે તેટલો તિરસ્કાર કર્યો હશે તે વેઠીને પણ તે મારાથી રીસાયો નહિ. દીલ જરા ભોળું હતું તથા સ્વાત્માર્પણનો પણ કાંઈક અંશ તેનામાં હતો એટલે તેનો ને મારો સંબંધ યદ્યપિ મોહનલાલની સાથે હતો તેવો વ્યાવહારિક છતાં પણ જરા પ્રેમાંશને વળગતો રહ્યો હતો. આ મારા ત્રણે મિત્રોની વાત અત્રે લખવાની જરૂર ન હતી. કેમકે તેમનો ને મારો સંબંધ દુનીયાંની નજરમાં તો હતો તેવો ને તેવો છે એટલે અત્રે કશો ખુલાસો કરવાની જરૂર ન હતી, પણ મારાં આ મુખ્ય પ્રેમસ્થાન તેમાંના ફેરફાર જણાવવાની જરૂર એટલા માટે છે કે મારા દીલની હવે થનારી અવસ્થા વાંચનારના સમજવામાં આવે.