લખાણ પર જાઓ

પૃષ્ઠ:Atmavruttanta.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મ.ન.દ્વિ.નું આત્મવૃત્તાન્ત
 

અનુમાન કરવા દેવું એમ મારો વિચાર છે, પણ દોષ વિષે તો યથાર્થ વર્ણન આપી જે હોય તે જરા પણ સંકોચ વિના જાહેર કરવું એ મારો મુખ્ય ઉદ્દેશ છે. મારો દેહ છે ત્યાં સુધી મારે જગતના લોકની કાંઈ પણ દરકાર – અર્થાત્ તેમના તરફથી માન વગેરેની આશા હોઈ શકે, પણ આ વૃત્તાન્ત આમરણ કોઈને હાથ જનાર નથી એટલે લોકો મને વખોડશે એવી ધાસ્તીથી કોઈ પણ દોષ છુપાવવાનું મને કારણ નથી. જેઓને હું હાલમાં મારા ભક્તમિત્ર માનું છું તેઓના તરફના માનમાં કાંઈ ન્યૂનાધિક થવાનો સંભવ જ નથી કેમકે મારું આખું રૂપ સર્વાંશે હાલ તેમના સમજવામાં જ છે. માણસ માત્ર દોષગ્રસ્ત. છે, હું પણ માણસ છું: પણ જો મારા દોષમાંથી કોઈને તેવા દોષથી દૂર રહેવાનું બની આવે અથવા મારા દોષ છતે મારામાં કાંઈ ગ્રાહ્યાંશ ગુણનો જણાય તો મારો આ શ્રમ પૂર્ણ રીતે કૃતાર્થ છે. પણ આ લખવાનું મુખ્ય કારણ જુદું જ છે. જન્મથી માણસ પૂર્ણ હોતું નથી; ધીમે ધીમે તેનામાં રહેલા અંકુર ખીલતે તે પૂર્ણ બને છે. તેમાં પણ વિચારવંત માણસો આત્મનિરીક્ષણ અથવા પોતાના અંતરની સૂક્ષ્મ તપાસ રાખવાથી ઘણે અંશે જલદી આત્મકલ્યાણ સાધવાને યોગ્ય થાય છે. આજ સુધીનું વૃત્તાન્ત લખ્યાથી મને પણ આ લાભ મળશે ને દિન પ્રતિદિન મેં કયા ત્યાજ્યાંશ છોડી ગ્રાહ્યાંશમાં વૃદ્ધિ કરી એ મને પોતાને સંતોષકારક રીતે જણાશે. આ વિચાર મુખ્ય રહેવાનું કારણ મારો જે ધર્મસિદ્ધાંત થયો છે, તેની હકીકત આગળ આવશે.