પૃષ્ઠ:Atmavruttanta.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અધ્યાપક
૭૭
 

અવસ્થા સમજાવી તથા તેવો વ્યવહાર મુકવા હું પ્રયત્ન કરું છું ને પરિણામે બીલકુલ મુકી દઈશ એમ સમજાવવા મહેનત કરી. આ વાત તેણે માની પણ ધીમે ધીમે તેને એવો અવિશ્વાસ પેદા થયો કે તેણે એ સંબંધી મારી વાત જ માનવા ન માંડી અને ઉલટી મારે મોહોડે મારા તિરસ્કારની વાતો કર્યા કરવા માંડી. મારા પર આવા ખોટા આરોપ ચડાવવાની તેની વાત સામે મેં બેચાર વાર કહ્યું પણ તેણે ન માન્યું ને એમ જ કર્યા કર્યું તેથી મને જે કંટાળો થયો એ બીજું અણબનતનું કારણ. આ મહાપંડિત મને કહેતા શું ? વ્યભિચાર કરવો હોય તો કરો, પણ કોઈ જાણે નહિ તેમ કરો !! પણ હું વારંવાર કહેતો કે હું તું ધારે છે તેમ કરતો નથી. ને જે સહજ હશે તે સમૂળું મેલીશ, મારે તો લોક જાણે ન જાણે તેની વાત નથી મારા દીલની શુદ્ધતાની વાત છે, પણ કાજી થયા તે કોઈનું માને ? અધુરામાં પુરૂં વળી મારા શરીર પર વ્યાધીનું જોર થઈ આવ્યું ને તે ફિરંગ (Syphiles tertiary) એમ વૈદ્યો માનતા. જેણે આ વૃત્તાંત જોયું છે તે સમજશે કે ૧૮૮૭માં દુઃખ થવાનું કારણ જો માનીએ તો ફક્ત ૧૮૭૮માં બન્યું હતું બાકી કદાપિ પણ નહિ, પણ આ અમારા કાજી તો જેમ જેમ એવું થયું તેમ તેમ વધારે ઉપડતા ગયા ને મારો સંબંધ રાખતાં પણ જાણે શરમાવા લાગ્યા ! અરે તેની આખરની નીચતા તો કહી પણ જતી નથી. મારી ખાધેલી થાળીમાં (તે ધોવાયા પછી પણ) જમાશે તો રોગ ચઢશે, મારૂં વાપરેલું કાંઈ વાપરશે તો તેમ થશે એમ, મારા મિત્રો સગાં વગેરેને વારંવાર મારૂં ખાધેલું ખાવા છતાં પણ અનામય જોવા છતાં, આ નીચ સુતારે ધારવા માંડ્યું ને આગ્રહ કરી પોતાના ઘરમાં રાખી આવો મારી તિરસ્કાર કરવા માંડ્યો ! વળી આથી પણ અધિક નીચતા કરવા માંડી. પોતે જ ખરો નીતિમાન ને ભક્તિ કરવા યોગ્ય છે એમ બતાવવાને મારી પાસે આવનાર મારા ભક્તમિત્રોને એમ કહેવા માંડ્યું કે તેઓ મારા દલાલ છે, તેમનો મિત્ર (હું) ખરાબ, બેવકુફ, અનીતિમાન છે વગેરે વગેરે, પણ તેમાં એને ફતેહ મળી નહિ. છતાં કેવી જાત ! કેટલી નીચતા ! આ અમારી અણબનતનું ત્રીજું અને છેલ્લું કારણ.

છોટુ નામના એક છોકરાના સ્નેહનું મેં આગળ લખ્યું છે. તે બરાબર ભણતો નહિ તેથી તેના પિતાએ એકવાર તેને મારી સાથે રાખી રસ્તે પાડવા કહ્યું. આ ઉપરથી હું તેને ત્રણેક માસ સુધી ભાવનગર લઈ ગયો હતો. ત્યાં તે કાંઈ ભણ્યો તો નહિ પણ ભણવામાં લાભ છે અને વિનાકારણ ભાઈબંધ દોસ્તદારોમાં ફરી ભણવાનો અમુલ્ય વખત ગુમાવવામાં માલ નથી એ તેના