પૃષ્ઠ:Atmavruttanta.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અધ્યાપક
૮૧
 

ને આ સ્ત્રીને મળ્યો. તેનો પ્રેમ હતો તેવો અનન્ય હતો, પણ પેલા બે ગૃહસ્થોની પણ તેવી જ અભિરૂચિ જણાતી હતી. તે સિવાય વળી જે વાતની મારે ને તે સ્ત્રીને તકરાર હતી તેમાં તો તે કેવળ હઠ જ પકડી રહી; તે છેક મેં તેને કહ્યું કે હું તને મુકી જઈશ તો પણ ન માન્યું આટલું જ નહિ પણ તેણે એક દિવસ મને કહ્યું કે "આવતી કાલથી પરસોતમ માસ બેસે છે માટે હું મારા શરીરને પણ અડવા નહિ દઉં માટે આજનો દિવસ ગંમત કરી લો." આ સાંભળી મને અતિશય તર્કવિતર્ક થયા. મને વિચાર આવ્યો કે પ્રેમ ને તેમાં પણ આખર સંબંધ ન થાય એટલો નિયમ! પ્રેમ અને તે એક પર હોઈ બીજા બે પર પણ તેવો જ હોય! ધિક્કાર પડો એ પ્રેમમાં ને એ સંબંધમાં તથા મારી ગાંડાઈમાં; એક છીનાળ રાંડ પરસોતમ મહીનામાં ધર્મ પાળનાર છે તેથી અમુક વાત નહિ કરે, પણ હું ભણ્યોગણ્યો બ્રાહ્મણ થઈ તેની પાછળ કુતરાની માફક બારે માસ ભમું છું?! આ વિચાર આવવાથી મેં તેની વાત મુકી દેવા નિશ્ચય કર્યો, ને તેને આમાંની કાંઈક વાત કહી પણ એ ઉપરથી એણે તો પરસોતમ મહીનો દૂર કરી આખર સંબંધ વિનાનો જે સંબંધ રાખતી હતી તે રાખવા માંડ્યો, પણ મારું મન તેના પરથી દિનપ્રતિદિન ઉઠી જવા લાગ્યું ને એ જ વખતે મેં તેનો સંબંધ તદ્દન માંડી વાળ્યો. હું તેને પછી ઘણી વાર મળ્યો હોઈશ, મેં વાત કરી હશે, વખતે તેનો સ્પર્શ કર્યો હશે. પણ તેના પરની આસક્તિ અથવા તેને ઘેર તે એકલી હોય ત્યારે જઈ બેસવું કે તેને માટે મુંબઈ જવું કે કાંઈ પણ કરવું કે કાગળ લખવો કે તેનો વિચાર પણ આણવો એ વાત તો માંડી જ વળાઈ. મેં મારી વિષયવાસનાના બળમાં તેના પર સહજમાં બળાત્કાર કર્યો હોત, પણ તે વાત જો તેનો પતિ જાણે તો વિરોધ થાય તે કરવાની મારી મરજી ન હતી કેમકે તેના પતિને ને મારે આ સંબંધ થયા પછી સારો સ્નેહ બંધાયો હતો તે અદ્યાપિ છે. આ સ્ત્રીના સંબંધમાં તિરસ્કારમાં જ "પ્રેમમાં નેમ ધર્યો" અને "આંખ ભર્યે શું થાય હઠીલી આંખ ભર્યે શું થાય" એ કવિતા રચેલી છે. આ વાત થયા પછી વળી બીજી વિલક્ષણ વાત બની. મુંબઈની કન્યાશાળામાં દીવાળીબાઈ નામની વિસનગરા નાગરની સ્ત્રી મહેતાજીની જગો પર મેં જ રાખેલી હતી. તે ઠીક ભણેલી હતી, ને કવિતા વગેરે પણ રચતી ને સમજતી. મને તેણે કવિતા વગેરે વંચાવેલી પણ ખરી. સાધારણ કે હાલમાંની ભણેલી સ્ત્રીમાં ન હોય તેવા ગુણ આ સ્ત્રીનાં કાવ્યમાં જણાતા પણ તે કૃતિ એ સ્ત્રીની જ હશે એમ હું માનતો નહિ. મને આ સ્ત્રી વિષે કાંઈ વિશેષ વિચાર પણ ન હતો, તેવામાં તેણે મારા ભાવનગર ગયા