પૃષ્ઠ:Atmavruttanta.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨
મ્.ન્.દ્વિ.નું આત્મવૃતાન્ત
 


પછી સામાન્ય વ્યાવહારિક પત્રો લખવાં શરૂ કર્યા. પણ ૧૮૮૫ના જુન પછી તેના પત્રનો આકાર બદલાયો. એ સ્ત્રીની પત્રોમાં જણાવેલી ચતુરાઈ તથા તેની સમજશક્તિ, તેનો પ્રેમ અને તેની ભક્તિ જોઈ યોગીનું પણ મન ડગી જાય એવું થયું. મારે અત્રે વિશેષ લખવાની જરૂર નથી, પણ તેનાં પત્રો મારી પાસે છે તે જે જુવે તેને આપોઆપ સમજ પડે તેમ છે. મને નિર્ણય થયો કે આ બાઈ જાતે વિદ્વત્તાવાળી તે તો નક્કી; પણ મારા મનમાં એમ નિર્ણય સાથે જ થયો કે આવી સ્ત્રીને નીતિથી ચળાવવી ને તેની સાથે મારે પણ એક સ્ત્રીથી છુટી બીજીના બ્રહ્મસંકટમાં પડવું એ ઠીક નહિ. વિશેષમાં વળી મારાં નિત્ય ધર્મકર્મમાં કાંઈક યોગનો ભાગ મિશ્રિત હતો તે વધારવા તરફ મારું લક્ષ લાગ્યું હતું એટલે પણ મને આ વિક્ષેપ ઈષ્ટ ન હતો. તેને મેં ઘણી ઘણી રીતે નીતિમાં રહેવા સમજાવ્યું, ને આખરે તેણે ન માન્યું ત્યારે વિષયવાસના વિનાની પ્રીતિ રાખવા મેં કબૂલ કર્યું. પણ તેણે છેવટ મને લખ્યું કે મારે વિષયવાસનાની દરકાર નથી પણ તમારા જેવા મારા પ્રેમનો પુરો બદલો નહિ વાળે તો તેનું ફરી મોં જોવા કરતાં દેહત્યાગ કરીશ. આ વાંચી મને માઠું લાગ્યું ને મેં તેને દિલાસો આપ્યો, પણ તેથી એ સંતુષ્ટ ન થઈ. આઠદશ માસ વીતતાં અરે દેવ! મને ખબર મળી કે તેણે ક્ષયના આજારથી પ્રાણત્યાગ કર્યો!! મારી દલગીરીની સીમા ન રહી. મને એમ તિરસ્કાર મારી જાત ને અક્કલ પર આવ્યો કે હે બેવકુફ તેં જે પ્રેમની શોધમાં વગોણું અને દુઃખ વેઠ્યું તે જ પ્રેમ તને ઘેર બેઠે મળ્યો પણ ભોગવાયો નહિ! ખેર, ખરા પ્રેમ એવા રંગના ચટકા જેવા જ હોય, પણ આ જખમ એવો થયો ને તેની અસર એવી થઈ કે અતઃપર કોઈ સ્ત્રી સાથે સ્નેહ ન બાંધવો એટલો તો આ બાઈના પ્રેમ પાછળ નિશ્ચય કરી સંકલ્પ કર્યો. આ વાત બન્યા પછી મુંબઈમાં એકાદ વાર પેલી પારસણ સાથે હું મલ્યો હોઈશ, નડીયાદમાં મારી માશીજીને પણ એકબે વાર મલ્યો હોઈશ, પણ એ ન ચાલતાની વ્યવસ્થા હતી. કોઈ સ્ત્રીનો પ્રેમ શોધવાની જે વાત મનમાં ઠસી હતી તે ઉડી ગઈ ! વળી ૧૮૮૬ની આખરમાં ને ૧૮૮૭માં મારો મંદવાડ મટવા આવ્યો હતો તેવામાં બાળાશંકરની સ્ત્રી પણ મળી હતી. એ બાઈ કાંઈક વિલક્ષણ સ્વભાવની જણાઈ. તે ૧૮૭૬માં આવેલી. વળી ડુબકી ખાઈ ગઈ ને ૧૮૮૨ લગભગ જણાઈ, વળી ગેબ થઈ ગઈ તે પાછી સ્વતઃ જ ૧૮૮૬માં આવી! તેની સાથે અમથી વાતચીત ગંમત થતી પણ બીજું કાંઈ નહિ. પણ આ વેળે તેની ઇચ્છા તીવ્ર હતી. એકબે વાર રાતનો સમય સાધી તે છેવટના હેતુથી આવેલી, પણ