પૃષ્ઠ:Atmavruttanta.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અધ્યાપક
૮૫
 

મૂલમાં મારી આ ભાવનગર તરફની ઉન્નતિ પછી મારા દ્વેષી ઘણા થયા હતા, ને ...ની વહુ સાથેના વ્યવહારની વાત ફેલાવાથી મારી નિંદા તે લોકો પેટ ભરીને કરતા. આવા પ્રસંગમાં આ પ્રકારનો વ્યાધિ થયો એટલે તેવા દ્વેષી લોકને અતિહર્ષ થઈ મને પાયમાલ થયેલો જોવા સર્વ તૈયાર હતું. મારા કુટુંબમાં, મિત્રમંડલમાં કે કોઈ સ્થલે એવું કોઈ ન હતું કે જેના પર મારી શ્રદ્ધા બંધાઈ રહે. આવા વખતમાં મને મારૂં વેદાન્ત અને બ્રહ્મ જેવાં કામ આવ્યાં છે એવું બીજું કાંઈ આવ્યું નથી. ટુંકામાં મેં આપઘાત ન કર્યો કે હું છેક કંટાળીને ઝુરી ન મુઓ એ મારા પરમ જ્ઞાનથી પેદા થયેલા વિશ્વાસ અને હીમતનું જ ફલ છે. આવા કષ્ટદાયક પ્રસંગે શરીર તો સારૂં થયું, પણ બોલવામાં ખામી રહી ને તેને પકડી પાડી મારા ઉપરી સાહેબે મને સતાવવા માંડ્યો. તેણે પ્રથમ મને રજા લેવા સલાહ આપી. પણ મારે તેની જરૂર ન હતી. એટલે મેં ના કહી અને જણાવ્યું કે મારા બોલવામાં સહજ ખામી છે ખરી, પણ તે મારા કામમાં અડચણરૂપ નથી. નાના નાના વર્ગને તો હું મોઢેથી જ વાત કરી શકીશ, પણ એક જે મોહોટો વર્ગ છે તેને વંચાવીશ વગેરે તો હંમેશની પેઠે કરાવીશ, પણ મારો અભિપ્રાય માત્ર લખાવીશ અને છતાં કોઈને પુછવાનું રહેશે તો મુખથી સમજાવીશ. આ વાત તેણે કોણ જાણે શા રૂપે સમજી લીધી. તેથી તેણે તો મેનેજીંગ બોર્ડના પ્રમુખ મુખ્ય દીવાન વિઠ્ઠલભાઈ તરફ મારી વિરૂદ્ધ લખાણ કર્યું, તે જાણી મેં મારો બચાવ કર્યો, તેના જવાબમાં તેના ભાઈ લલ્લુભાઈએ લખ્યું કે તમારી વાત વાજબી છે ને મેં સાહેબને ફરી વિચાર કરવા લખ્યું છે. આ પરથી મેં તેને લખ્યું કે જો કે હું મારી દરખાસ્તમાં કશી નવાઈ જોતો નથી, ને તેથી તે માટે રજા લેવા રાજી નથી પણ તમને રાજી રાખવા ખાતર રજા લેવી હોય તો લઉં. આથી તેણે જરા મિજાજ કરી જવાબ આપ્યો કે તમારે એકદમ તમારી એવી દરખાસ્ત બાબત બોર્ડની રજા લેવાનો રીપોર્ટ મારી મારફત મોકલવો; મેં પણ લાચારીથી આવા પત્રનું ઉત્તર એ જ આપ્યું કે જે વાત મારા હકની બહાર નથી તેવી વાત માટે હું રજા માગવા શી બાબત નીકળું? માટે હું રીપોર્ટ કરતો નથી. આનું પરિણામ જે આવનાર હોય તે આવો. પણ આવી ગરબડ થયેલી જોઈ મારા મનમાં બે વિચાર આવ્યાઃ દરબારી લોકો સાહેબને દેખીને ડરવાના ને આ વખતે ઈનસાફ આપતાં પાછા હઠવાના : મારી તરફેણમાં વાજબી ઈનસાફ આપવાની તે લોક હીમત કરે તો પણ જેને ને મારે અણબનત થઈ તેના હાથ નીચે રહેવામાં માલ નહિ. આ ઉપરથી મેં રા. મુ. મનઃસુખરામભાઈને જણાવ્યું કે કચ્છના એજયુકેશનલ ઈન્સ્પેક્ટરની જગો જે