પૃષ્ઠ:Atmavruttanta.pdf/૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧. કુટુંબ


મારૂં કુટુંબ નડીયાદમાં ક્યાંથી આવ્યું હશે તે મને ખબર નથી, પણ તેની પાંચ સાત પેઢી નડીયાદમાં જ થએલી એમ મારા સમજવામાં છે. મારા દાદા દવે ભાઈલાલ ગણપતરામને ત્રણ દીકરા ને એક દીકરી હતાં. સાઠોદરા નાગરના વેદપુરુષ અથવા બ્રાહ્મણ વર્ગમાં અમારું કુટુંબ હતું. બીજા નાગરોમાં ગૃહસ્થ અને બ્રાહ્મણો વચ્ચે જે તફાવત હોય છે તે અમારી જ્ઞાતિમાં નથી. અન્યોન્ય કન્યા આપવાલેવાનો રીવાજ મૂળમાં ઘણે હશે એમ હાલમાંની મારી ગૃહસ્થો સાથેની સગાઈથી હું ધારું છું. હાલમાં રીવાજ બંધ છતાં પણ મારા કાકાની દીકરી ગૃહસ્થને ઘેર પરણેલી છે. જમવા ખાવામાં પણ બ્રાહ્મણો ફક્ત પુણ્યસંબંધમાં જ ગૃહસ્થને ઘેર જમે ને ગૃહસ્થ બ્રાહ્મણને ઘેર કદી નહિ, એમ તો હાલ પણ નથી. અન્યોન્ય વ્યવહારથી જ સર્વે એક એકને ત્યાં જમે જમાડે છે. ત્યારે અમારું બ્રાહ્મણપણું ફક્ત એટલામાં જ કે શ્રૌત સ્માર્ત કર્મ કરાવી અમે દક્ષણા લઈએ; તથા અમારા વંશપરંપરાના અમુક યજમાન હોય તેમને ક્રિયામાત્ર કરાવીએ. નડીયાદમાં ગૃહસ્થ લોકે મારી ઇર્ષ્યા કરવામાં ને હું બ્રાહ્મણ માટે કોઈક અધમ જીવ એમ સમજવા સમજાવવામાં બાકી રાખી નથી માટે આ ખુલાસો કરી જાઉં છું; તે ઉપરાંત એમ પણ વાંચનારને સમજવા માટે જણાવું છું કે અમે બ્રાહ્મણો ફક્ત અમારી જ્ઞાતિના ગૃહસ્થની જ દક્ષણા લઈ કર્મ કરાવીએ. પણ નડીયાદના ગૃહસ્થો તો કડીયા, કુંભાર, કણબી વગેરેનું ગોરપદું અદ્યાપિ કરે છે. છતાં માણસની મગરૂરીને કાંઈ સીમા નથી! અમારે વંશપરંપરાથી યજમાનમાં ફક્ત એક કે બે ઘર ને તે પણ સહીઆરાં હોવાથી મારા દાદાના સમયથી જ કે તે પહેલાં પણ મારા કટુંબમાં કોઈ શ્રૌત ગૃહ્યાદિ કર્મ ભણી કુશલ થયેલું મારા જાણવામાં નથી. બ્રાહ્મણને યોગ્ય સંધ્યાદિ સર્વ જાણીએ પણ બીજી વાત કોઈને ખબર નહિ. આમ થવાથી અમારી મુખ્ય વૃત્તિ નોકરી વેપાર સિવાય બીજી ન હતી. મારા દાદા નડીયાદમાં ફોજદાર હતા અને સુરત જિલ્લામાં કહીં મામલતદાર થવાના હતા તેવામાં નોકરી મુકી એમ મારા જાણવામાં છે. પોતે નોકરી મુકી ત્યારે વડા દીકરા હરિભાઈને તે જગા અપાવેલી, જેણે તે જ રીતે