પૃષ્ઠ:Atmavruttanta.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડાયરી
૯૧
 

સાહેબે એવી મતલબનું કહ્યું કે “I know he is a great scholar & an honest man but he must know he has a superior" - જેના જવાબમાં સેક્રેટરીએ કહ્યું હતું કે he knows you are his superior, but you must regard your subordinates as your friends. આવી રીતે સમાધાન થયું. રજા મળી. સાહેબ અને હું બોલતા ચાલતા પણ મન કેવળ જુદાં થઈ ગયાં અને અન્યોન્યને માટે ઘણા હલકા વિચાર બંધાયા. માણસ આવતાં વાર થવાથી દિ. ૧૧ મારે કામ કરવું પડ્યું તે દરમીઆન છોકરાઓ મારી વાત બરોબર સમજતા. અને મારે જવાની વાતથી ઘણા દલગીર હતા. જે માણસ આવ્યો છે તે સારો હશે, પણ મારા છોકરાઓ એમ કહે છે કે મણિલાલ પાસે ભણેલાને બીજા કોઈથી સંતોષ થવાનો નથી એમ સાંભળું છું.

નડીયાદ આવી મેં મારાં નિત્ય-ધર્મકર્મમાં વૃદ્ધિ કરી. ગાયત્રી ૧૦૦૦ તથા ગીતા આખીનો પાઠ એવો નિયમ લીધો. બધો દિવસ વાંચવા અને લખવામાં જ ગાળવા માંડ્યો. મારા મંદવાડ પછી કાંઈક વખત થયાં મને વાંચવાકરવાની શક્તિ આવી હતી પણ હવે જે પૂર્વવત્ આનંદ પડવા લાગ્યો તેથી હું સંતુષ્ટ થયો. પ્રેમજીવન નામનું પુસ્તક મે મહીનામાં લખ્યું હતું તે છપાવવા માંડ્યું. વીએના oriental journal માટે અદ્વૈત સંબંધી એક આર્ટીકલ લખ્યો. કાવ્યપદ્ધતિ વિષે તથા બ્રહ્મસૂત્રની ટિપ્પણી રૂપે ગ્રંથો લખવાના વિચારો ચાલુ હતા. તબીઅત સારી ચાલ્યાં જતી હતી, સારી એટલે ખરાબ નહિ કેમકે મારા જેવા તદ્દન ભાગેલા માણસને સારી તબીઅત એ શબ્દ સાથે ઓળખાણ જ ભાગ્યે થાય! છતાં મારા મનનો ઉત્સાહ તથા નિશ્ચય અતુલ હતાં. મને દુઃખનો લેશ પણ મનમાં ન આવતો. સંસાર, શરીર સર્વે બગડ્યાં હતાં, સ્નેહીઓ પણ ઠીક ઠીક હતા છતાં જે પરમાનંદ મને છેતે કોઈને પણ આવી અવસ્થામાં નહિ મળ્યો હોય. મારી વાચનલેખનની મેહેનત અતુલ ચાલતી, એવી કે સારામાં સારી તંદુરસ્તીવાળા માણસોમાંના પણ કોઈક જ કરતા હોય. આ બધાનું કારણ મારી બ્રહ્મનિષ્ઠા હતી, તથા તે તરફનો મારો નિશ્ચય કેવળ વિરાગ રૂપે પરિણામ પામી, નિરપેક્ષ મન કરાવી વાચન-લેખન-મનન ને બને તો શુભ કર્મનો ઉદ્યોગ તેમાં જ મનને રોકી રાખતો. Smiles Character વાંચતાં Prof. George Wilsonની શરીરસ્થિતિ તથા મનની અતુલ ચાલાકી ને ઉત્સાહપૂર્વક શ્રમ અને વિરાગ જોઈ મને મારી સ્થિતિનું ભાન થઈ આવ્યું. અને મારા જેવા પણ થઈ ગયા