પૃષ્ઠ:Atmavruttanta.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪
મ. ન. દ્વિ.નું આત્મવૃત્તાન્ત
 

આગળ કહેલું છે. તેને બીજો પુત્ર થયો હતો તે હાલ વર્ષ ૧નો થયો. તેનાં માબાપ મૂલ તો તેને રાખવા બહુ રાજી હતાં, પણ હાલ હવે અમારે ઘેર મોકલવા તૈયાર થયાં. મને એ સ્ત્રી વિષે મૂલથી અનાદર થયા જેવી તેની ચાલ વારંવાર મેં જણાવેલી છે. પણ હાલ મારા સમજવામાં તેના વ્યભિચારની વાતો આવી હતી તેથી મારું મન તેના ઉપરથી તદ્દન પાછું હટી ગયેલું હતું. તેનાં માબાપ તેને મુકવા આવતાં પણ તેને પોતાને ઉંડી મરજી હોય એમ લાગતું નહિ તેમ તેનામાં જરા પણ સુધારો જણાયો નહિ તેથી મને એના પર એવો અવિશ્વાસ થયો હતો કે રખેને ઘરમાં દાખલ થઈ કોઈ યુક્તિપ્રયુક્તિથી જીવ લે કે કાંઈ સંકટ ઉભું કરે. તેનાં અપલક્ષણ લોકમાં પણ પ્રસિદ્ધ થઈ ગયાં હતાં એટલે મારી માને માથે જે વાંક લાવવા તે પ્રયત્ન કરતી તે જેને ઘટે તેને માથે જ વાજબી રીતે સ્થિર થયો હતો. તાત્પર્ય કે મારી સ્ત્રીને મારે ઘેર મુકવા આવ્યાં પણ મેં ન રાખી તેનાં કારણ આ કહ્યાં તે જ, પણ મારાં સાસુ, સસરો, સાળો વગેરેનો ગ્રામ્ય વ્યવહાર તે પણ એક કારણ જેવો ગણાય.

મારા મિત્રમંડલમાં નાનાસાહેબની મારા ઉપર પુરી ભક્તિ મેં કહી છે જ. તેણે મારા ઉપર બહુ સારો સ્નેહ રાખ્યો છે. સર્વદા તે મારી તરફ દૃષ્ટિ રાખે જ છે. મારી નિંદા થાય છે, મને કોઈ લોક કાંઈ કાંઈ કારણથી નિંદે છે, પણ તે મારા સંબંધમાં દૃઢ છે. ચતુરભાઈ સાહેબને માટે તો મેં આગળ જે અંકુર વર્ણવ્યા છે તે હાલ વૃક્ષરૂપ થયા જણાય છે. તેઓ એક સ્વાર્થનું પુતળું જ છે. દુનીયામાં સ્વાર્થ સર્વને છે, પણ આ માણસની સ્વાર્થવૃત્તિ કેવલ અધમ છે. તેનો બાપ તેના મોંમાં થુંકે તેવો છે. એ બાપદીકરો જ્યાં સુધી ચતુર મારી પાસે નોકર હતો ત્યાં સુધી દિવસમાં દશ દશ ધક્કા મારે ઘેર ખાતા. તે સંબંધ મટ્યા પછી દશને બદલે બેત્રણ થયા હતા, પણ તેનો બાપ સ્પષ્ટ કહેતો કે શા માટે મણિલાલને ઘેર જઈ જઈને બેસી રહે છે, એમાં શું મળવાનું છે. આમાં પણ હું કહીંક નોકરી અપાવું એ આકાંક્ષા હતી, પણ તે સફળ થવાનો સંભવ જ્યારે આ સ્વાર્થી જોડાને ન લાગ્યો ત્યારે તેમણે મને હાલ તદ્દન મુકી દીધો. નોકરી અપાવી શકાય કે રૂપીઆ આપી અપાવી શકાય તો જ અમુક માણસ મિત્ર થાય એ કરતાં મિત્ર ન હોય એ લાખ દરજ્જે સારૂં છે. ચતુરભાઈએ હવે સાંકળચંદને ઘેર તેવા જ ધક્કા દેવા માંડ્યા કેમકે તેમના બાપે તેમ ફરજ પાડી હશે. સાંકળચંદે તેના બાપને રૂ. ૮000) આઠ આને ધીરી દશ આનામાં નંખાવી આપ્યા હતા એ તેનું મુખ્ય કારણ