ભાવનગરમાં સારી રીતે ચાલતું હતું. વડોદરાના ડાયરેક્ટર હરગોવનદાસે પુછાવ્યું કે ગોરક્ષશતક વગેરે કેટલાંક સંસ્કૃત પુસ્તક ગાયકવાડ સ્ટેટ માટે તરજુમો કરી આપશો, ને તે બદલ શું લેશો? લેવાની વાતનું ઠીક હતું પણ તેની બીજી કેટલીક શરતો ન બનતી આવવાથી મેં ના પાડી. એમ જ હું આગળ મુંબઈ નોકર હતો ત્યારે રા. મનઃસુખરામભાઈએ ઈડર તરફથી સર્વ ધર્મને સરખાવી વેદાંત શ્રેષ્ઠ બતાવવાનો નિબંધ લખવા બહુ આગ્રહ કરેલો પણ આપવાના ફક્ત રૂ. ૨૦) તથા એવો મહાવિષય ગુજરાતીમાં લખવાથી ગુણગ્રાહકને અભાવે પ્રતિષ્ઠા કાંઈ નહિ એમ સમજી ના કહેલી. ગ્રંથોમાં બે નવિન ગ્રંથ લખવા વિચાર કર્યો. એક સાહિત્યનો લક્ષણ ગ્રંથકાવ્યમયૂખએ નામથી; ને બીજો 'સુધારા'ના કરતાં આર્યધર્મની મહત્તા સમજાવવાનો જેનું નામ નિયત કર્યું ન હતું. પ્રથમનો આરંભ કર્યો ને બે પ્રભા, કાવ્યના લક્ષણ વિષે ને શબ્દશક્તિ વિષે લખી. બીજો આરંભ્યો નથી. બને તો ગીતાનું ભાષ્ય જે હું કરતો હતો તે પણ સંપૂર્ણ કરી છપાવી દેવું, તથા સ્માઈલ્સ કેરેક્ટર પરથી જે “સદવૃત્તિ’ લખાતી હતી તે પણ પુરી છપાવી. દેવી એવો સંકલ્પ થયો હતો.
પણ મારા નિત્યના શત્રુએ મને આ નીરાંત એક માસ પણ પુરી ભોગવવા દીધી નહિ. મારા નાકમાં જરા વ્રણ રહેલું હતું તે માટે મેં મુંબઈમાંથી શુક્લ જેશંકરની ગોળીઓ ખાવા માંડી હતી એ કહેલું છે. હાલ તે ગોળી ખાવા માંડતાં મોં આવી ગયું તે તો ૧૦–૧૨ દિવસે વળ્યું પણ કાંઈ મટયું નહિ ને ઉલટો કંઠ બેસી ગયો તથા ગળામાં ઉંડાં વ્રણ પડ્યાં તે પીડા કરવા, લાગ્યાં. હવે બધી તરફથી વિષમતા શરૂ થઈ. કોલેજમાં કામ કરતાં મહાશ્રમ પડવા લાગ્યો, બોલવામાં બહુ દુઃખ થવા માંડયું ને શ્રોતાને સમજતાં પણ