“આવાં અમૃત જેવાં મીઠાં ફળ તમે ક્યાંથી લાવો છો ?”
મગરે જવાબ દીધો:–“નદી કિનારે એક ઝાડ છે. તેના પર એક મ્હારો વાંદરો મિત્ર રહે છે. તેની પાસેથી હું આ ફળ લાવું છું.”
“ત્યારે એ વાંદરો પણ આ ફળ ખાતોજ હશે,” તેની સ્ત્રીએ ફરી સવાલ કર્યો.
મગર બોલ્યો:—“હા, એતો એના ઉપરજ રહે છે; રોજ બધાં બહુયે ખાતો હશે.”
તેની સ્ત્રીએ કહ્યું:–“ત્યારે તો આવાં અમૃત જેવાં ફળનોજ એનો કોઠો બંધાયો હશે. તો પછી એનું કાળજું કેટલું બધું સ્વાદિષ્ટ હશે ? ખરેખર ખાવા લાયકજ હોવું જોઇએ, મ્હને એનું કાળજું નહિ લાવી આપો ?”
મગર ગુસ્સે થઈને બોલ્યો:–“અરે વાહ ! કાળજું તો વળી શી રીતે લાવું ? એ તો મ્હારો મિત્ર થાય છે. મિત્રને મ્હારાથી કેમ મરાય ?”
તેની સ્ત્રીએ હઠ લીધી:–“બોલો લાવી આપવું છે કે નહિ ? કાળજું લાવી આપશો નહિ, તો હું જીવતી નહિ રહુ મિત્રને જીવ બચાવવા જતાં, તમને સ્ત્રી હત્યાનું પાપ લાગશે.”
મગર આખરે લાચાર થઇને વાંદરા પાસે ગયો. રક્તમુખ તે વખતે ઝાડ ઉપર બેઠો હતો. બહુજ દચામણું મ્હોં રાખીને મગર ત્યાં આગળ પડી રહ્યો હતો.
“આજે કેમ આવા દીલગીર દેખાઓ છો.”