લખાણ પર જાઓ

પૃષ્ઠ:Bal Panchatantra.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪

મગર બોલ્યો:—“અરે કાંઇ નહિ, જવા દો એ વાત !” એમ કહીને તેણે ઉંડો નિસાસો નાંખ્યો.

વાંદરાએ કહ્યું:–“એમ ગુંચવાઓછો શું કરવા? જે હોય તે બેલાશક કહો. હું તમારો મિત્ર છું. એક બીજાને મુશ્કેલીમાં મદદ કરે નહિ, તે મિત્ર શા કામના ?”

મગર બોલ્યો:–“હા ભાઇ! તમે મદદ કરી શકો તેમ છો. આ તો સાધારણ વાત છે. મ્હારી સ્ત્રી મ્હારી સાથે રીસાઇ છે. તમારાં જાંબુ એને બહુ ભાવે છે. હું એને માટે ઘણું ખરૂં અહીંથીજ લઇ જાઉં છું. આજે એણે મ્હને પૂછ્યું:- “આવાં સુંદર ફળ તમે ક્યાંથી લાવો છો ? મ્હેં ત્હમારૂં નામ દીધું. ત્યારથી એ હઠ લઈ બેઠી છે. આવાં ફળ જે ત્હમને રોજ આપે છે, તેને તમે કદી અંહી બોલાવી લાવતા પણ નથી ! હમણાંજ બોલાવી લાવો; નહિ તો હું ત્હમારી સાથે બોલીશ નહિ. ભાઇ ! એથી હુંં મુંઝાઉં છું.”

વાંદરાએ જવાબ દીધો:–‘પણ તમે તો નદીમાં રહો છો. ત્યાં હુંં આવી શી રીતે શકીશ ? મ્હેને તરતાં આવડતું નથી.”

મગર બોલ્યો:–“બેસી જજો મ્હારી પીઠપર; હું તમને સુખરૂપ લઈ જઈશ.”

વાંદરાએ તેના વચન પર વિશ્વાસ રાખ્યો. તે મગરની પીઠ પર ચઢી બેઠો, પછી તેઓ નદીમાં દાખલ થયા.

જમીન ઉપર મગર ધીમે ધીમે ચાલતો હતો, પણ પાણીમાં ત્હેણે સપાટા બંધ તરવા માંડ્યું. એથી વાંદરાને ઘણી બ્હીક લાગી અને તે બોલી ઉઠ્યો:- “ભાઈ ! ધીરે ધીરે ચાલ. પાણીના મોજાંઓથી મ્હારૂં આખું શરીર પલળી ગયું.”