વારમાં જાંબુડી આગળ આવી પહોંચ્યા. વાંદરો ઝટ કરતો ઝાડ ઉપર ચઢી ગયો. “કાળજું ક્યાં છે ?” નીચેથી મગરે પૂછ્યું.
વાંદરા બોલ્યો:-“અરે હૈયાફૂટા ! તું ત્હારૂં કાળજું ક્યાં રાખે છે ત્હારા શરીરમાં કે બીજી કોઇ જગ્યાએ ? મ્હારૂં કાળજું તો હંમેશાં હોય છે તેમ મ્હારા શરીરમાંજ છે; તે ત્હારી વહુને માટે વાળુ કરવાને આપી શકાય તેમ છે નહિ, મ્હેં મોટી ભૂલ કીધી કે ત્હારા જેવા નિર્દય પ્રાણીના ઉપર વિશ્વાસ રાખ્યો.”
સાર:–આ પ્રમાણે સમયસૂચકતાથી વાંદરાએ પોતાનો જીવ બચાવ્યો. સમય સૂચકતાથી એમ પોતાના તેમજ બીજાના જાન માલનું રક્ષણ થઈ શકે છે.
કોઇ એક સરોવરમાં એક લુચ્ચો ઘરડો બગલો રહેતો હતો. તે ઘણો આળસુ હતો. એથી તે માંછલાં પકડવાની તસ્દી લેતો નહતો.
“હું આ સરોવરની પાળ ઉપર ઉભો રહીશ; અને એકાદ માંછલું તો અહીં આગળ આવ્યા વિના રહેશે નહિ.” એમ તે ધારતો. તે ઘણો ભૂખ્યો થઇ ગયો હતો. છતાં કાંઈ ખાવાનું હાથ લાગ્યું નહિ. એથી તે ઘણો દીલગીર થઈ આંખમાંથી આંસુ પાડવા લાગ્યો.
આખરે માછલાંએ તેને દીઠો, ત્યારે પૂછ્યું:–“મામા ! આજે આટલા બધા ઉદાસ કેમ દેખાઓ છો ? અમારામાંથી કોઈને પકડતા પણ નથી ! તમને શું દુઃખ થયું છે ?”