લખાણ પર જાઓ

પૃષ્ઠ:Bal Panchatantra.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭

બગલો બોલ્યો “અફસોસ! અફસોસ ! બહુ દીલગીરીની વાત છે. તમને કહેતાં મ્હારી જીભ પણ ઉપડતી નથી. આજે તમામાં બધાંયનું મોત છે. થોડીવારમાં એક માછી આવશે અને તમને પકડી જશે. પછી હું શું કરીશ ? મ્હારૂં ગુજરાન કેમ ચાલશે ?”

માછલાંઓએ કહ્યુ “એમ કેમ કહો છો ? મામા ! તમે તો બહાદુર અને ચાલાક છો. માછી આવે ત્યારે તેને મારીને કાઢી મુકો.”

બગલાએ કહ્યું:–“હું શી રીતે કાઢી મુકીશ ? હું તો ઘરડો થઈ ગયો છું. મ્હારાથી એની સાથે લઢાશે નહિ. એ જરૂર આવીને તમને પકડી જશે.”

માછલાંઓએ કહ્યું:–“ત્યારે શું તમે અમને નહિ ઉગારો ? અમે પકડાઈ જઇશું, તો તમારે ભૂખે મરવું પડશે. અમને બચાવશો, તોજ તમને ખાવાનું મળશે.”

બગલો બોલ્યો:–“તમને હું શી રીતે બચાવુંં?”

“અમને બીજે કોઈ ઠેકાણે લઈ જાઓ,” બધાં માછલાંઓએ કહ્યું.

તે ઉપરથી બગલોમામો એક પછી એક બધાં માછલાંઓને ચાંચમાં ઘાલીને લઈ ગયો. પણ એ તેમને કોઇ તળાવ કે સરોવરમાં લઈ ગયો નહિ. એ તેમને ખડક આગળ લઇ ગયો અને ત્યાં તેમને તડકામાં સૂકવવા મુક્યાં.

“હવે મ્હને ઘણા દિવસ સુધી ખાવાનું મળ્યાં કરશે.” એ વિચારથી બગલો હરખાયો.

તે પાછો સરાવર આગળ ગયો, ત્યારે એક કરચલાએ ત્હેને પૂછ્યું:–“મામા માછલાંઓ ક્યાં જતાં રહ્યાં ?”