લખાણ પર જાઓ

પૃષ્ઠ:Bal Panchatantra.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮

બગલાએ કહ્યું:–“થોડીવારમાં એક માછી અહીં આવી પહોંચશે, અને તે તળાવમાંહેના તમામ માછલાંઓને પકડી જશે.”

“કરચલાઓને પણ શું તે પકડશે ખરો?” તે કરચલાએ પૂછ્યું.

બગલોબોલ્યો:–“ત્હેના હાથમાં જે કાંઇ આવશે તે એ પકડશે.”

કરચલો બોલ્યો:–“ત્યારે તો મ્હને પણ તમે જ્યાં બધાં માછલાંઓને મૂકી આવ્યા, ત્યાં આગળ લઈ જાઓ.”

બગલાંએ તો કરચલાંને ઉંચકવાને પોતાની ચાંચ ઉઘાડી. તે કરચલો પણ કાંઈ કાચો નહતો. ચાલાક અને ઉસ્તાદ હતો. તે બોલ્યો:–“એમ નહિ, બગલા મામા ! હું બહુ મોટો હોવાથી ત્હમારી ચાંચમાં નહિ મ્હાંઉ, હું મ્હારા નખ વાળા પગ વડે ત્હમારી ગરદન આસપાસ લટકી રહીશ.”

બગલાએ તેને એ પ્રમાણે કરવા દીધું. પછી તેને લઈને પેાતે ઉડી ગયો.

કરચલાંએ એકાએક નીચે નજર કરી. તેણે બધાં માછલાંઓને તડકામાં સૂકાતાં દીઠાં. તેણે નિસાસો નાંખ્યો:– “અફસોસ ! બહુ ખોટું થયું. મ્હેં આ ઘાતકી પ્રાણીનો ભરોસો કર્યો. એ હવે મ્હને પણ માંછલાંઓની માફક મારી નાંખશે.” પણ તે હિંમત હારી ગયો નહિ. સમયસૂચકતા રાખીને તે બોલ્યો:–“મામા ! તમે મ્હારા જાત ભાઈઓને બચાવશો.”

“હા, બેશક બચાવીશ.” બગલાએ જવાબ દીધો.